અમરેલી બેઠક પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠક છે. લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ પરંતુ ભાજપે હજુ સુધી અહીં કોઈ ઉમેદવાર જાહેર કર્યા નથી. આ તરફ કોંગ્રેસે અહીંથી પાટીદાર મહિલા ચહેરા પર પસંદગી ઉતારી છે. ત્યારે ભાજપ પણ અહીંથી કોઈ પાટીદાર મહિલાને ટિકિટ આપે તેની પ્રબળ શક્યતા જોવાઈ રહી છે.
કોંગ્રેસની વાત કરીએ તો અમરેલી લોકસભા બેઠક પરથી આ વખતે કોંગ્રેસે જેની ઠુમ્મરને ટિકિટ આપી છે. જેની ઠુમ્મર પાટીદાર, શિક્ષિત અને રાજકીય પરિવારમાંથી આવે છે. પૂર્વ સાંસદ અને ધારાસભ્ય રહેલા વીરજી ઠુમ્મરના તેઓ પુત્રી છે અને લોકો પણ તેમને ઓળખે છે. ગળથુથીમાંજ રાજકારણ મળ્યુ હોવાથી કોંગ્રેસના મજબુત દાવેદાર ગણી શકાય
આ વખતે ભાજપ અમરેલીથી મહિલાને ટિકિટ આપવાનુ જો વિચારતી હોય તો અહીં ક્યા મહિલા ઉમેદવાર પર ભાજપ પસંદગીનો કળશ ઢોળી શકે તેમા સૌથી મોખરે જો કોઈ નામ આવે તો તે છે રેખાબેન મોવલિયા…
રેખાબેન મોવલિયા અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે. શિક્ષિત મહિલા ચહેરો અને પાટીદાર સમીકરણમાં બરાબર બંધ બેસે છે. ખોડલધામના ટ્રસ્ટી વસંતભાઈ મોવલિયાના નાનાભાઈના પત્ની છે. ગર્ભ શ્રીમંત પરિવારમાંથી આવે છે. વસંતભાઈ મોવલિયા ખોડલધામના ટ્રસ્ટી હોવાની સાથે અનેક ઉદ્યોગ ધંધા સાથે સંકળાયેલા છે. ઉદ્યોગપતિ-બિઝનેસમેન હોવાની સાથોસાથ બિલ્ડર પણ છે. અમદાવાદમાં તેમની એકથી વધુ ઈન્ડસ્ટ્રી આવેલી છે. ઉપરાંત ખોડલધામ ટ્રસ્ટીગણમાં પણ સારુ નામ ધરાવે છે.
અમરેલીમાં જિલ્લામાં જો કોઈ મહિલા ઉમેદવારમાં પ્રબળ દાવેદાર હોય તો તે રેખાબેન મોવલિયા છે. અને હજુ સુધી આ નામની ચર્ચા ક્યાંય થતી જોવા મળી નથી. આથી ભાજપ હાઈકમાન તેમની પેટર્ન મુજબ રેખાબેનને આગળ કરીને ફરી એકવાર સૌને ચોંકાવી શકે છે. વસંતભાઈ મોવલિયાના સી.આર.પાટીલ, રૂપાણી સહિત તમામ ભાજપના દિગ્ગજો સાથે સારા સંબંધો ધરાવે છે. હાલના અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા સાથે પણ વસંત મોવલિયાને નિકટના સંબંધો છે. આથી ભાજપ તેમના નાના ભાઈના પત્ની રેખાબેનને ટિકિટ આપીને ભાજપ ખોડલધામ લોબી સહિત લેઉવા પાટીદારોને ખુશ કરી શકે છે અને અમરેલી બેઠક પરંપરાગત રીતે જ પાટીદારોની બેઠક રહી છે આથી ભાજપ અહીં પાટીદાર ચહેરા પર જ પસંદગી ન ઉતારે તે વાતમાં પણ દમ જણાતો નથી.
ગીતાબેન સંઘાણી લેઉવા પાટીદાર ચહેરો છે. રાજકીય પરિવારમાંથી આવે છે. પૂર્વ સાંસદ દિલિપ સંઘાણીના પત્ની છે અને સંઘાણી પરિવાર પણ તેમના નામને લઈને મજબુત લોબિંગ કરી રહ્યો છે. જો કે ગીતાબેન સંઘાણીને ટિકિટ આપે તો ભાજપ જેને હંમેશા મુદ્દો બનાવતી આવી છે તે પરિવારવાદના આક્ષેપ થાય. આ તરફ સામે પક્ષે કોંગ્રેસે પણ વિરજી ઠુમ્મરની દીકરીને ટિકિટ આપી છે એટલે ગીતાબેનનુ નામ ચર્ચાઈ રહ્યુ છે. જો કે દિલિપ સંઘાણી અને તેમના ભાઈ મુકેશ સંઘાણીનું નામ પણ ચર્ચાઈ રહ્યુ છે. ભાજપ સંઘાણી પરિવારમાંથી કોઈ એકને જો ટિકિટ આપે અને મહિલાને ટિકિટ આપે તો ગીતાબેન સંઘાણીનુ નામ ચર્ચામાં છે.
અન્ય એક જે પાટીદાર મહિલાનું નામ ચર્ચાઈ રહ્યુ છે તે છે ભાવનાબેન કાંતિભાઈ પટેલ. વૈષ્ણવ સંપ્રદાયના અગ્રણીઓના જેના પર ચારેય હાથ કહી શકાય તેવુ આ નામ છે. આથી ભાજપ ભાવનાબેનને ટિકિટ આપીને એક કાંકરે બે પક્ષી મારી શકે એમ કહી શકાય. એકતરફ પાટીદારને ટિકિટ આપીને તેમને પણ સાચવી લેશે અને વૈષ્ણવ સંપ્રદાયના અગ્રણીઓને પણ તેમની તરફ કરી હિંદુત્વનું કાર્ડ પણ રમી શકે છે.
આ સિવાય અન્ય એક ભાવનાબેન ગોંડલિયાનું પણ નામ ચર્ચામાં છે. જેઓ પૂર્વ કોર્પોરેટર પણ રહી ચુક્યા છે. દિલિપ સંઘાણી પરિવારના નજીકના પણ ગણાય છે. જો કે તેમને ટિકિટ મળવાની સંભાવના ઘણી ઓછી છે.