અમદાવાદને મળશે નવા મેયર, કોર્પોરેશનમાં નવા પદાધિકારીઓની નિમણૂક માટે સેન્સ પ્રક્રિયા શરૂ

By: nationgujarat
02 Sep, 2023

મહાનગરપાલિકાઓમાં ભાજપના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓની ટર્મ પુરી થઈ રહી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવા પદાધિકારીઓની નિમણૂક માટે આજે શહેરના તમામ ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો અને કોર્પોરેટરોને બોલાવી કોની પાસે કોને મ્યુનિ.માં હોદ્દેદાર બનાવવા તે અંગે સૂચન માગશે. સવારે 10.30 વાગ્યાથી પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો કે. સી. પટેલ, રાણા દેસાઈ અને ભીખીબેન પરમાર દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

ધારાસભ્યો અને કોર્પોરેટરોની સેન્સ પ્રક્રિયા પૂર્ણ
ભાજપના ત્રણ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. વિધાનસભા મુજબ સેન્સ લેવામાં આવી રહી છે. ગાંધીનગર દક્ષિણ, નારણપુરા, ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્યો અને કોર્પોરેટરોની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. મોટાભાગના કોર્પોરેટરો પાર્ટી દ્વારા જે પણ હોદ્દેદારની નિમણૂક કરવામાં આવશે તે નિર્ણય માન્ય રહેશે તેમ કહી રહ્યા છે. તો કેટલાક કોર્પોરેટરોએ પોતાને મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન તરીકેની દાવેદારી કરી છે.

કોર્પોરેટરોને માત્ર મેયરના હોદ્દા માટે નામ પૂછાયા
સાબરમતી વિધાનસભાના ધારાસભ્યો અને કોર્પોરેટરોની સેન્સ લેવાઈ ચુકી છે. ભાજપના નિરીક્ષકો દ્વારા એક એક ધારાસભ્યો અને એક એક કોર્પોરેટરોને બોલાવી મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેના નામ પૂછ્યા હતા. કેટલાક કોર્પોરેટરોને ત્રણેય મુદ્દા માટે કોણ યોગ્ય છે, તેના નામ પૂછ્યા હતા. તો કેટલાક કોર્પોરેટરોને માત્ર મેયરના હોદ્દા માટે નામ પૂછાયા હતા.

સેન્સ પ્રક્રિયા સાંજ સુધી ​​​​​​ચાલશે
અમદાવાદના શહેર ભાજપ પ્રમુખ અમિત શાહે જણાવ્યું હતું કે, આજે ભાજપ પ્રદેશની સૂચના અનુસાર સેન્સ લેવાશે. જેમાં 3 નિરિક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવી રહી છે. શહેરના ધારાસભ્યો, હોદ્દેદારો અને કોર્પોરેટરોને સાંભળવામાં આવશે. સેન્સ લેવાયા બાદ રિપોર્ટ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની આપવામાં આવશે. રિપોર્ટ બાદ પાર્લામેન્ટ્રી બોર્ડ નક્કી કરશે કે કોને શું હોદ્દો આપવો. આજે સાંજ સુધી આ સેન્સ પ્રક્રિયા ચાલશે.


Related Posts