હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કાર ધ્રાંગધ્રાની નદીમાં ખાબકી, સદનસીબે મોટી જાનહાનિ ટળી

By: Nation Gujarat Team
27 Jul, 2026

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં લોકસાહિત્યકાર અને જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કારને ગંભીર અકસ્માત નડ્યો હતો. હકાભા ગઢવી હળવદ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતાં તેમની કાર નદીમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો અને યુવાનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. હકાભા ગઢવીને કારમાંથી બહાર કાઢી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

હકાભા ગઢવીની કારને નડ્યો અકસ્માત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના બૈસાબગઢ નજીક જાણીતા કલાકાર હકાભા ગઢવીની કારને અકસ્માત નડ્યો હતો. હકાભા ગઢવી હળવદ તરફ જતા હતા આ દરમિયાન સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર નદીમાં ખાબકી હતી. બનાવની જાણ થતા જ સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. હકાભા ગઢવી કારની પાછળની સીટ પર બેઠેલા હોવાથી તેમને ગંભીર ઇજાઓ થઇ નહતી અને તેમને સુરક્ષિત બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

હકાભાની સાથે તેમનો ડ્રાઇવર પણ હતો. હકાભાની કાર હળવદ તરફ જતી હતી આ દરમિયાન ડ્રાઇવરે કાબુ ગુમાવતા કાર નદીની પાળી તોડી નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં હકાભા ગઢવીને પગના ભાગે સામાન્ય ઇજા થઇ હતી. હકાભા ગઢવીને યુવકોએ કારમાંથી બહાર કાઢી નદીના પ્રવાહમાં ટીંગાટોળી કરીને બહાર લાવવામાં આવ્યા હતા. હકાભા ગઢવીના અકસ્માતની જાણ થતા જ રાજ્યના કલાકારો તેમના ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા હતા.

હું સંપૂર્ણ સ્વસ્થ છું – હકાભા ગઢવી

અકસ્માત બાદ હકાભા ગઢવીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હું સંપૂર્ણપણે સ્વસ્થ છું, કોઈ પણ પ્રકારની ઈજાઓ પહોંચી નથી. માત્ર મૂઢમાર જેવી ઇજાઓ પહોંચી છે જે ગંભીર ઇજાઓ ગણી શકાય તેમ નથી અને હાલના તબક્કામાં સ્થાનિક લોકોનો આભાર માનું છું કે તેમના દ્વારા નદીના પ્રવાહમાંથી મને બચાવી લેવામાં આવ્યો અને ગાડીના કાચ તોડી અને બહાર કાઢી લેવામાં આવ્યો. તમામ વસ્તુ પણ ગાડીમાંથી બહાર કાઢી લેવામાં આવી, હજુ પાણીમાં ગાડી ગરકાવ છે ત્યારે તે કાઢવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.


Related Posts

Load more