સુરતના અમરોલી વિસ્તારમાં માનવતાને લજવતી એક ઘટનામાં પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. માત્ર 12 વર્ષ અને 5 માસની માસૂમ બાળકી, જે હજુ જીવનના પાઠ શીખી રહી હતી, તેને હવસખોર પાડોશીએ પોતાની જાળમાં ફસાવી ગર્ભવતી બનાવી દીધી હતી. આ ચકચારી કેસમાં 9મા એડિશનલ સેશન્સ જજે આરોપી રબીઉલ શેખને મરણ જાય ત્યાં સુધીની સખત કેદ અને પીડિતાને 10 લાખના વળતરનો હુકમ કર્યો છે.
સારવાર માટે ગયેલી માસૂમ પર પડોશીએ ગુજાર્યો અત્યાચાર આ બનાવની વિગત એવી છે કે, ફેબ્રુઆરી 2025માં અમરોલીના કોસાડ આવાસમાં રહેતી 12 વર્ષની બાળકી શારીરિક તકલીફને કારણે પાડોશમાં રહેતા આરોપી રબીઉલ શેખના ઘરે દવા લેવા માટે ગઈ હતી. પડોશી હોવાના નાતે વિશ્વાસ રાખીને ગયેલી બાળકી પર આરોપીએ નજર બગાડી હતી. રબીઉલે માસૂમ બાળકીના અડધા કપડાં કાઢી નાખી, તેની મરજી વિરુદ્ધ 2 વાર શારીરિક સંબંધ બાંધી જઘન્ય અપરાધ આચર્યો હતો.
ગર્ભપાત માટે તાત્કાલિક કાર્યવાહી અમરોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જે.બી. વનારને જ્યારે આ કેસની જાણ થઈ, ત્યારે તેમણે કેસની ગંભીરતાને સમજી તાત્કાલિક પગલાં ભર્યા હતા. પીડિતા સગીર હોવાથી અને તેની શારીરિક-માનસિક સ્થિતિ નાજુક હોવાથી, પોલીસ દ્વારા તબીબી નિષ્ણાતોની સલાહ લેવામાં આવી હતી. બાળકીના ગર્ભ ટર્મિનેશન માટેની કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવી હતી, જેથી તેના જીવ પરનું જોખમ ટાળી શકાય.
46 વર્ષીય રબીઉલ શેખની ધરપકડ આ કેસનો મુખ્ય આરોપી 46 વર્ષીય રબીઉલ ઉર્ફે રબીઉલ માજત શેખ છે. તે મૂળ પશ્ચિમ બંગાળના નદીયા જિલ્લાનો વતની છે અને સુરતમાં કોસાડ આવાસમાં રહેતો હતો. 46 વર્ષના આધેડ વ્યક્તિએ પોતાની દીકરી સમાન બાળકી સાથે આવું અમાનવીય કૃત્ય આચરતા સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો હતો. પોલીસે 26/04/2025ના રોજ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી હતી.
ગુનો નોંધાયાના ટૂંકા ગાળામાં જ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી પીઆઈ જે.બી. વનાર અને તેમની ટીમે વૈજ્ઞાનિક પુરાવાઓ, મેડિકલ રિપોર્ટ્સ અને DNA સેમ્પલ જેવા મહત્વના પુરાવાઓ એકત્ર કર્યા હતા. બાળકી ગર્ભવતી હોવાનો રિપોર્ટ આરોપી વિરુદ્ધ સૌથી મજબૂત પુરાવો સાબિત થયો હતો. પોલીસે 27/05/2025ના રોજ એટલે કે ગુનો નોંધાયાના ટૂંકા ગાળામાં જ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી, જે પોલીસની પ્રસંશનીય કામગીરી દર્શાવે છે.
સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલેલી કાયદાકીય જંગ આ કેસ સ્પેશિયલ કેસ (પોક્સો) નં. 151/2025 તરીકે સુરત કોર્ટમાં નોંધાયો હતો. સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી કે, આ માત્ર બળાત્કાર નથી પરંતુ એક બાળકીના ભવિષ્યનો નાશ છે. 12 વર્ષની ઉંમરે ગર્ભવતી થવાથી બાળકીને જે માનસિક અને શારીરિક યાતના ભોગવવી પડી છે, તેના માટે આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ.
છેલ્લા શ્વાસ સુધી જેલ અને 10 લાખનું વળતર 16/03/2026ના રોજ પોક્સો કોર્ટે તમામ પુરાવાઓનું મૂલ્યાંકન કર્યા બાદ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. કોર્ટે આરોપી રબીઉલ શેખને “આજીવન કેદ એટલે કે છેલ્લા શ્વાસ સુધીની સખત કેદ” ની સજા ફટકારી છે. આ ઉપરાંત આરોપીને 50,000 રૂપિયાનો દંડ અને ભોગ બનનાર બાળકીને તેના ઉજ્જવળ ભવિષ્ય અને સારવાર માટે દસ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.
ચુકાદો આપતા કોર્ટે કડક ટિપ્પણી કરી કે, “બાળકો સાથે થતી જાતીય સતામણી અટકાવવા માટે વિધાનમંડળ દ્વારા પોક્સો એક્ટ જેવો કડક કાયદો બનાવવામાં આવ્યો છે. સમાજમાં આવી અમાનવીય હરકતો ક્યારેય સહન કરવામાં આવશે નહીં.” આ ચુકાદાથી પીડિતાને ન્યાય મળ્યો છે અને સમાજમાં એક દાખલો બેસાડવામાં આવ્યો છે કે, કાયદાના હાથ ખૂબ લાંબા છે.