Gandhidham માં 8.46 કરોડનું cyber fraud, 8 રાજ્યમાંથી 13 આરોપી ઝડપાયા, 3.82 કરોડ ફ્રીઝ

By: Nation Gujarat Team
10 Nov, 2026

Gandhidham cyber fraud case : પૂર્વ કચ્છના ગાંધીધામ શહેરમાં એક કંપની સાથે કરોડો રૂપિયાની ઓનલાઇન સાયબર છેતરપિંડીની સનસનીખેજ ઘટના સામે આવી હતી. સાયબર ગઠિયાઓએ કંપનીના બેંક ખાતામાંથી એક પછી એક 211 જેટલા અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કર્યા હતા. આ રીતે આરોપીઓએ કુલ 8.46 કરોડ રૂપિયાથી વધુની માતબર રકમ પોતાના ખાતાઓમાં ટ્રાન્સફર કરી લીધી હતી. આ સમગ્ર મામલે કંપનીના સંચાલકોને જાણ થતાં જ 5 નવેમ્બરે ગાંધીધામ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ હતી.

દેશના 8 રાજ્યોમાં પોલીસનું દિલધડક ઓપરેશન

ફરિયાદ નોંધાયા બાદ સાયબર પોલીસે બેંક ટ્રાન્ઝેક્શન અને ડિજિટલ પુરાવાઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. ગુજરાત સહિત ભારતના જુદા-જુદા રાજ્યોમાં પોલીસની 10 વિશેષ ટીમો તાત્કાલિક રવાના થઈ હતી. પોલીસે રાજસ્થાન, આસામ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, દિલ્હી અને હરિયાણામાં છાપા માર્યા હતા. સઘન શોધખોળ બાદ પોલીસે આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા 13 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. ઝડપાયેલા આરોપીઓને ગાંધીધામ લાવી સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

બોગસ શેલ કંપનીઓ અને ભાડાના ખાતાઓનું નેટવર્ક

તપાસ દરમિયાન સાયબર ઠગોની અત્યંત ચોંકાવનારી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે. આ ગેંગ બોગસ શેલ કંપનીઓ ખોલતી હતી અને કમિશન આપી ભાડાના બેંક એકાઉન્ટ્સ મેળવતી હતી. છેતરપિંડીની રકમ તરત જ આવા ખાતાઓમાં ટ્રાન્સફર કરીને ઉપાડી લેવામાં આવતી હતી. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને છેતરપિંડીની રકમમાંથી 3.82 કરોડથી વધુ રૂપિયા બેંક ખાતાઓમાં હોલ્ડ અને ફ્રીઝ કરાવી દીધા છે, જેથી ભોગ બનનાર કંપનીને આ નાણાં પાછા મેળવવામાં મોટી રાહત મળશે.

ડિજિટલ સાધનો જપ્ત અને ગુનાહિત ઇતિહાસ

પોલીસ ટીમે આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલા 14 મોબાઇલ ફોન, 2 લેપટોપ અને 1 સીપીયુ હાર્ડડિસ્ક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી ડેટા રિકવર કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા 13 આરોપીઓમાંથી 4 આરોપીઓનો જૂનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. આ ટોળકી અન્ય કયા રાજ્યોમાં આવા ફ્રોડ આચરી ચૂકી છે તે દિશામાં સાયબર પોલીસ વધુ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score