સુરતના વેસુમાં લિફ્ટમાં હાથ કપાઈ ગયેલા બાળકનું મોત નિપજ્યું છે. 1 વર્ષીય બાળક પ્રિન્સનો હાથ લિફ્ટના મોટરમાં આવી ગયો હતો. બાળકનો હાથ શરીરમાંથી અલગ થઈ જતા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં હાથને જોડાયો હતો પણ લોહીનું પરિભ્રમણ ન થતાં ફરી છુટ્ટો કરી દેવાયો હતો. બાળકની 12 દિવસની સારવાર બાદ મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. શરીરમાં ઇન્ફેક્સન ફેલાતા બાળકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે
બાળકનો જમણો હાથ કપાયો હતો
મૂળ બિહારનો મુકેશ રાવ પરિવાર સાથે વેસુ વિસ્તારમાં બની રહેલા પ્રધાનમંત્રી આવાસમાં કામ કરી ત્યાં જ રહેતો હતો. મુકેશ રાવ નવનિર્મિત બિલ્ડિંગોમાં મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મુકેશના પરિવારમાં બે સંતાન છે, જેમાંથી નાનો પ્રિન્સ એક વર્ષનો હતો. ગત 9 ડિસેમ્બરના રોજ પિતા આવાસના એ બિલ્ડિંગ ખાતે કામ કરી રહ્યા હતા. ત્યારે પત્ની પ્રિન્સને ટુવાલમાં લપેટી જઈ રહી હતી અને લોડિંગ લિફ્ટના મશીનમાં ટુવાલ ફસાયો હતો અને સાથે બાળકનો જમણો હાથ મશીનમાં આવી જતા કપાઈ ગયો હતો.
કપાયેલા હાથ સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા પિતા
ઘટના બાદ બાળકના રડવાના અવાજથી ભાગદોડ મચી ગઈ હતી, જેથી તાત્કાલિક બાળકને સુપરવાઈઝરની કારમાં સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક બાળકને દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. બાળકનો કપાઈ ગયેલો હાથ પણ સાથી મજૂર લઈને સિવિલ આવ્યો હતો. ખંભાના ભાગેથી જ હાથ છૂટો પડી ગયો હતો. ઉપરાંત પ્રિન્સના માથા અને કાન પર પણ ગંભીર ઇજા થઈ હતી.
ત્રણ કલાક સર્જરી કરીને હાથ જોડ્યો હતો
પ્રિન્સને ટ્રોમા સેન્ટરમાં પ્રાથમિક સારવાર આપી ઓપરેશન માટે લઈ જવાયો હતો. જોકે બાળકની હાલત ખૂબ જ નાજુક હતી. 9 ડિસેમ્બરના રોજ આ બાળકને સાંજના સમયે ત્રણ કલાક સર્જરી કરીને તબીબોએ તેનો હાથ પાછો જોડી દીધો હતો. જોકે હાથની સર્જરી કરવામાં થોડી કલાકોનું મોડું થવાના કારણે 72 કલાક હાથના લોહી સરક્યુલેશન નું ઓબ્ઝર્વેશનમાં રાખ્યો હતો.
હાથ જોડ્યા બાદ ફરી છુટ્ટો કર્યો હતો
બાળકના હાથ જોડાયા બાદ તેનું લોહીનું સર્ક્યુલેશન ચાલુ નહીં રહેવાના કારણે હાથ ફરી છૂટો કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ થી આજ સુધી બાળકની સારવાર ચાલી રહી હતી. જોકે શરીરમાં ઈન્ફેક્શન ફેલાતા બાળકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. પરિવારના દીકરાનું મોત થતાં શોકનો માહોલ છવાઈ ગયો છે.