Narmada Dam : મધ્યપ્રદેશના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 128ને પાર કરી છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે પાણી આવક વધી રહી છે, ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 128.67 મીટર પહોંચતા નર્મદા ડેમ 70 ટકા ભરાયો છે, ત્યારે ડેમનું પાણી નદીમાં છોડવામાં આવશે. જેથી આજે (31 જુલાઈ) સવારે 11 વાગ્યાની આસપાસ નર્મદા ડેમના 5 દરવાજા ખોલવામાં આવશે. જેને લઈને 27 ગામને એલર્ટ કરી દેવા માં આવ્યા છે.
1.36 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાશે
મળતી માહિતી મુજબ, નર્મદા ડેમ મહત્તમ સપાટી 138.68 મીટર છે, ત્યારે ઉપરવાસમાં વરસાદ થતાં હાલની ડેમની સપાટી 128.67 મીટર પહોંચી છે. નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે, ત્યારે ડેમ પૂર્ણ સપાટીએ પહોંચવામાં 10 મીટર દૂર છે. તેવામાં નર્મદા ડેમમાં ઉપરવાસ માંથી 2,44,680 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. 1.36 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાશે.
જ્યારે નદીમાં પાણીની જાવક 41,945 ક્યુસેક અને કેનાલમાં પાણીની જાવક 5,182 ક્યુસેક છે. નર્મદા ડેમમાં પાણીનો ટોટલ સ્ટોરેજ જથ્થો 6622 MCM છે, જેથી ડેમમાં હાલ 70 ટકા પાણી છે. ઓમકારેશ્વર ડેમમાંથી સાંજે 6:30 વાગ્યાથી 19 ગેટ 2.39 મીટર ખોલી નદીમાં 4,40,965 ક્યુસેક પાણી છોડવાની જાહેરાત કરવામાં આવતા નર્મદા ડેમ વોર્નિંગ સ્ટેજ પર મુકાયો છે.