તારીખ 6 જુલાઈના રોજ સુરત શહેરમાં ખાબકેલા અતિ ભારે વરસાદને કારણે ચારેય તરફ પાણી ફરી વળ્યા હતા. આ પૂર હોનારતને લીધે સુરતીઓને ખૂબ જ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન અને અગવડતાઓનો સામનો કરવો પડ્યો હતો. આ મુશ્કેલ સમયમાં સુરતવાસીઓની વહારે આવીને રાજ્ય સરકારે એક ઐતિહાસિક અને અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. આજે મળેલી કેબિનેટ બેઠકમાં પૂર પીડિતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે સહાય પેકેજ મંજૂર કર્યું છે, જેની સત્તાવાર જાહેરાત ગૃહ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક ખાસ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કરી હતી.
સુરત માટે હવે કુલ ₹1050 કરોડ રૂપિયાનું રાહત પેકેજ મંજૂર
રાજ્યમાં ભારે વરસાદને કારણે જે કોમર્શિયલ વિસ્તારોમાં નુકસાન થયું છે, ત્યાં આ સહાય પેકેજ લાગુ કરવામાં આવશે. સુરતમાં ભવિષ્યમાં ફરીથી આવી પૂરની પરિસ્થિતિ ન સર્જાય તે માટે અત્યારથી જ નક્કર કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ માટે થેન્નારસનની અધ્યક્ષતામાં એક વિશેષ ટીમ સુરત મોકલવામાં આવી હતી, અને હવે સુરતની ખાડીઓ પરના દબાણો સત્વરે દૂર કરવામાં આવશે. સુરત શહેર માટે સરકારે આગામી ત્રણ વર્ષ માટે વધુ 550 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 500 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું, આમ સુરત માટે હવે કુલ ₹1050 કરોડ રૂપિયાનું રાહત પેકેજ મંજૂર થયું છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ પેકેજ અંગેનો સત્તાવાર પરિપત્ર આજે સાંજ સુધીમાં જાહેર થઈ જશે. આમ છતાં, જો કોઈ અસરગ્રસ્તો સહાયથી બાકી રહી જશે, તો સરકાર તેમની રજૂઆતો સાંભળીને સહાય આપવા અંગે સકારાત્મક વિચારણા કરશે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીની પત્રકાર પરિષદના મહત્વના મુદ્દા