Siddhivinayak Mandir: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ ઠાકરેએ એક બોલ્ડ દાવો કરીને મહારાષ્ટ્રમાં રાજકીય ગરમી વધારી દીધી છે. તેમણે દાવો કર્યો છે કે મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાંથી વાર્ષિક ₹18 કરોડની ચોરી થાય છે. એક કાર્યક્રમને સંબોધતા ઠાકરેએ કહ્યું કે આજકાલ મંદિરો પણ સુરક્ષિત નથી. ખરેખર, MNS અધ્યક્ષ પક્ષના વિદ્યાર્થી એકમના એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા અને આ દરમિયાન તેમણે અન્ય એક મોટો દાવો કરતા કહ્યું કે, અયોધ્યાના રામ મંદિરમાં 1400 કરોડ રૂપિયાની ચોરી થઈ છે. ઠાકરેએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મુદ્દા પર ચોક્કસપણે બોલવું જોઈએ.
મંદિરો પણ ભ્રષ્ટાચારથી મુક્ત નથી: રાજ ઠાકરે
વિદ્યાર્થી એકમને સંબોધતા રાજ ઠાકરેએ કહ્યું કે અયોધ્યા રામ મંદિરમાં ચોરીના મુદ્દે પીએમ મોદીએ નિવેદન આપવું જોઈએ. તેમણે એવું પણ કહ્યું કે, નિરાશ થયેલા યુવાનો મંદિરો તરફ વળે છે, પરંતુ આ મંદિરો પણ ભ્રષ્ટાચારથી મુક્ત રહ્યા નથી.
આ સાથે જ તેમણે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેને સિદ્ધિવિનાયક મંદિરના 8 ટ્રસ્ટીઓ દ્વારા લખવામાં આવેલા એક પત્રનો હવાલો આપતા કહ્યું કે, મંદિરની દાનપેટીમાંથી પૈસા ચોરનારા કેટલાક કર્મચારીઓને ટ્રસ્ટીઓની સતર્કતાના કારણે પકડી પાડવામાં આવ્યા છે.
રાજ ઠાકરેના દાવવાથી રાજકીય ગરમાવો વધ્યો
રાજ ઠાકરેનું કહેવું છે કે, સિદ્ધિવિનાયક મંદિરમાં આ ચોરી પકડાઈ તે પહેલાં અહીંથી મળતી સાપ્તાહિક દાનની આવક આશરે 50 લાખ રૂપિયા કરતાં પણ ઓછી હતી. પરંતુ ચોરીની જાણ થયા પછી આ દાનની રકમ વધીને 1.5 કરોડ રૂપિયા થઈ ગઈ. રાજ ઠાકરેનો દાવો છે કે દર વર્ષે મંદિરમાંથી 18 કરોડ રૂપિયાની ચોરી થાય છે.
બીજી તરફ, સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ અને ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના નેતા સદા સરવંકરે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, આ મામલે 9 કર્મચારીઓની પહેલાથી જ ધરપકડ કરી લેવામાં આવી છે. તેમણે દાવો કર્યો કે જ્યાં પણ જરૂર હતી ત્યાં કેસ પણ નોંધવામાં આવ્યા છે. વધુમાં, સરવંકરનું કહેવું છે કે મંદિરમાં દાનમાં થયેલો વધારો ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને કારણે થયો છે.
વિપક્ષે મંદિરમાં દાન ચોરીને મુદ્દો બનાવ્યો
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી મંદિરોમાં દાન ચોરીના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. મંદિરોમાં થતી આ કથિત દાન ચોરીને મુદ્દો બનાવીને વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આપને જણાવી દઈએ કે સિદ્ધિવિનાયક મંદિર પહેલા અયોધ્યા સ્થિત રામ મંદિરમાં પણ દાન ચોરીનો મામલો સામે આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ SIT ની રચના કરવામાં આવી છે, જે હાલ આ મામલાની તપાસ કરી રહી છે.