સિંધુભવન રોડ પર કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા મલ્ટિલેવલ પાર્કિંગના ગ્રાઉન્ડ ફ્લોર તેમજ પહેલો અને પાંચમો માળ હરાજીમાં મુકવામાં આવ્યા હતા. જોકે ગ્રાઉન્ડ ફ્લોર ખરીદવા મ્યુનિ.ને એક બિડર મળ્યો છે. જ્યારે પ્રથમ અને પાંચમા માળ માટે હજુ સુધી કોઈ ખરીદદાર આગળ આવ્યો ન હોવાથી ફરીથી હરાજી કરવામાં આવશે.
ગ્રાઉન્ડ ફ્લોર ખરીદવા મ્યુનિ.ને એક બિડર મળ્યો
કોર્પોરેશને આ મલ્ટિલેવલ પાર્કિંગના ગ્રાઉન્ડ ફ્લોરની 4158.83 ચોરસમીટર જગ્યા માટે પ્રતિ ચોરસમીટર 1.93 લાખ ભાવ નક્કી કર્યો હતો. બિડ ભરવાની છેલ્લી તારીખે એક બિડરે રૂ.80.25 કરોડની ઓફર મૂકી હતી. હવે આ બિડરને હરાજીથી વેચાણ કરવાની કાર્યવાહી કરાશે. પ્રથમ અને પાંચમા માળની હરાજીમાં એકપણ બિડર આગળ ન આવતા ફરીથી હરાજી કરાશે. બીજી વખતની હરાજી પછી પણ કોઈ ખરીદદાર નહીં મળે તો કોર્પોરેશન ભાવ ઘટાડીને નવેસરથી હરાજીનો પ્રયાસ કરી શકે છે.
કાંકરિયા અને નવરંગપુરા મલ્ટિલેવલ પાર્કિંગ અત્યારે ધૂળ ખાઈ રહ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટીએ સિંધુભવન રોડ પર ઓન સ્ટ્રીટ પાર્કિંગ માટે ટેન્ડરની દરખાસ્તને મંજૂરી આપી હતી. જોકે કરોડોના ખર્ચે બનેલું મલ્ટિલેવલ પાર્કિંગ અહીં હોવાથી ઓનસ્ટ્રીટ પાર્કિંગ શરૂ કરવામાં આવે તો મલ્ટિલેવલને કોઈ ખરીદદાર મળે તેમ ન હોવાની શક્યતા જોતાં ઓનસ્ટ્રીટ પાર્કિંગની દરખાસ્ત એક-બે દિવસમાં જ પાછી ખેંચી લેવામાં આવી હતી. કાંકરિયા અને નવરંગપુરા મલ્ટિલેવલ પાર્કિંગ અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે. સિંધુભવન રોડના મલ્ટિલેવલ પાર્કિંગની આવી દશા ન થાય તે માટે પ્રયાસ છે.