સાવધાન! અમદાવાદના બહેરામપુરામાં નકલી સાબુ તથા ફેસવોશ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, 11.68 લાખનો મુદ્દામાલ જપ્ત

By: Nation Gujarat Team
06 Aug, 2026

Fake Cosmetic Racket: અમદાવાદના બહેરામપુરામાં એક નામાંકિત કોસ્મેટિક કંપનીનું નામ અને ટ્રેડમાર્કનો ઉપયોગ કરીને નકલી સાબુ તથા ફેસવોશ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે કંપનીના અધિકારીઓ સાથે મળીને બાતમીના આધારે રેડ પાડી અંદાજે રૂ. 11.68 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ (3,894 નંગ ડુપ્લીકેટ સાબુ અને 6,490 નંગ ફેસવોશ) જપ્ત કર્યો છે.

એક શખસની ધરપકડ

આ મામલે પોલીસે દાણીલીમડાના મોહમ્મદ જુનેદ પટેલ નામના શખસની ધરપકડ કરી છે. આરોપી અસલી કંપનીના ટ્રેડમાર્ક અને લોગોની કોપી કરીને પોતાની ‘KISRA’ બ્રાન્ડના સ્ટીકર હેઠળ ગ્રાહકો સાથે છેતરપિંડી આચરી બજારમાં નકલી સાબુ અને ફેસવોશ વેચતો હતો.

ઉલ્લેખનીય છે કે, ન્યુ રાણીપના શુકન સિટી ખાતે રહેતા અને પુણેની ‘યામી ઘર શોપ પ્રા. લી.’ કંપનીમાં ટ્રેડમાર્ક તથા કોપીરાઈટ પ્રોટેક્શનનું કામ સંભાળતા 30 વર્ષીય જયદીપભાઈ સુભાષભાઈ ભટ્ટીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમને માહિતી મળી હતી કે તેમની કંપનીના લોગો અને બ્રાન્ડ નેમની કોપી કરીને માર્કેટમાં ડુપ્લીકેટ પ્રોડક્ટ્સ વેચાઈ રહી છે. આથી તેમણે કંપનીના અન્ય અધિકારી સાથે મળીને પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

મળતી માહિતી મુજબ, બાતમીના આધારે પોલીસે બહેરામપુરાના સિકંદર માર્કેટ રોડ પર આવેલા ભાટી કમ્પાઉન્ડના એક ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી દાણીલીમડામાં રહેતો મોહંમદ જુનેદ યુનુસભાઈ પટેલ (ઉં.વ. 45) નામનો વેપારી પકડાઈ ગયો હતો. તે પોતાની ‘KISRA’ બ્રાન્ડના સ્ટીકરનો ઉપયોગ કરી ‘યામી ઘર શોપ’ કંપનીની ડુપ્લીકેટ વસ્તુઓ બનાવતો હતો. પોલીસને ગોડાઉનમાંથી રૂ. 3,89,400ની કિંમતના 3,894 નંગ ડુપ્લીકેટ સાબુ અને રૂ. 7,78,800ની કિંમતના 6,490 નંગ ડુપ્લીકેટ ફેસવોશ મળી આવ્યા હતા. આમ, પોલીસે કુલ 11.68 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ અને કેટલાક ખાલી બોક્સ કબ્જે કરીને આરોપી મોહંમદ જુનેદ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Related Posts

Load more