સાળંગપુરમાં કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાના ફાઉન્ડેશનની ખાલી જગ્યામાં વિવાદાસ્પદ ભીંતચિત્રો પર આજે એક સનાતની ભક્તે કુહાડી ચલાવી એને તોડવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત આ ભીંતચિત્રો ઉપર કાળા કલરથી પોતું ફેરવ્યું હતું. બેરિકેડ્સ તોડી પ્રતિમાને નુકસાન પહોંચાડવા આવેલા આ શખસને પોલીસે ઝડપી લીધો છે. આ વ્યક્તિની ઓળખ ગઢડા તાલુકાના ચારણકી ગામની વ્યક્તિ તરીકે થઈ છે અને તેનું નામ હર્ષદ ગઢવી હોવાનું સામે આવ્યું છે.
ભીંતચિત્રોમાં હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનના દાસ દેખાડાતાં આ સમગ્ર વિવાદ સર્જાયો છે. આ ભીંતચિત્રોને હટાવી લેવા સાધુ-સંતોએ પણ અપીલ કરી હતી. એવામાં કોઈ હનુમાનભક્ત દ્વારા લાગણી દુભાતાં વિવાદાસ્પદ ભીંતચિત્રો પર કાળો કલર લગાવ્યો હતો. એ ઘટનાને લઈને મંદિર પ્રશાસન દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મંદિરના પારાવેટ બાઉન્સર અને પોલીસ દ્વારા ભીંતચિત્રો બાજુમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઘટનાના પગલે Dy.SPએ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે.
પ્રતિમાને કોર્ડન કરાઈ
ભક્ત દ્વારા ભીંતચિત્રોને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યા બાદ કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાને વાંસથી કોર્ડન કરી લેવામાં આવી છે તેમજ ભીંતચિત્રો પર જે કાળો રંગ લગાવવામાં આવ્યો છે એને દૂર કરવા માટે મંદિરના સેવકો દ્વારા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે.