સરધાર સ્વામિનારાયણ મંદિરના સંતોએ પંજાબના CM ભગવંત માન સાથે બેઠક કરી

By: Nation Gujarat Team
12 Oct, 2026

ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણીને હજુ સમય બાકી છે.પરંતુ રાજકીય પક્ષોએ અત્યારથી જ ગ્રાઉન્ડ લેવલ પર પોતાની વ્યૂહરચના ગોઠવવાની શરૂઆત કરી દીધી છે.રાજકોટના પ્રસિદ્ધ સરધાર સ્વામિનારાયણ મંદિરના સાધુ સંતો પંજાબના પ્રવાસે પહોંચ્યા છે.જ્યાં અમૃતસરમાં સરધાર ધામના નિત્યસ્વરૂપદાસ સ્વામી અને અન્ય સાધુઓએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે એક ખાસ બેઠક યોજી હતી.આ ઉચ્ચ સ્તરીય બેઠક બાદ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ રહ્યા હાજર

અમૃતસર ખાતે યોજાયેલી ખાસ બેઠકમાં માત્ર ધાર્મિક અને રાજકીય આગેવાનો જ નહીં પરંતુ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.ગોપાલ ઇટાલિયાની સાધુ-સંતો અને પંજાબના મુખ્યમંત્રી સાથેની આ મુલાકાતની તસવીરો સામે આવ્યા બાદ રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ જાગી છે.ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાય અને સરધાર ધામનો એક વિશાળ ભક્તવર્ગ અને સામાજિક પ્રભાવ છે.ભારતીય જનતા પાર્ટીના પરંપરાગત વોટબેંક ગણાતા વર્ગો અને ધાર્મિક સંસ્થાઓ સુધી પહોંચવા માટે આમ આદમી પાર્ટી હવે નવી વ્યૂહરચના અપનાવી રહી હોય તેમ જણાય છે.

રાજકીય વિશ્લેષકોમાં તીવ્ર ચર્ચા શરૂ થઈ ગઈ

પંજાબના મુખ્યમંત્રી સાથે સ્વામિનારાયણના સાધુઓની આ પ્રત્યક્ષ મુલાકાતને AAP દ્વારા 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં રચવામાં આવી રહેલા નવા સામાજિક અને રાજકીય સમીકરણ તરીકે જોવામાં આવી રહી છે.ગુજરાતના રાજકારણમાં સંતો-મહંતોના આશીર્વાદ હંમેશાં નિર્ણાયક ભૂમિકા ભજવતા આવ્યા છે. તેવામાં સરધાર ધામના મુખ્ય સાધુઓની પંજાબના આપ શાસિત મુખ્યમંત્રી સાથેની આ મુલાકાત બાદ એ સવાલ ચોક્કસ ઉભો થાય છે કે શું આગામી દિવસોમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો જનાધાર વધુ મજબૂત થશે? આ બેઠક માત્ર એક શિષ્ટાચાર ભેટ હતી કે પછી તેની પાછળ કોઈ ઊંડી રાજકીય વ્યૂહરચના છે, તે અંગે હવે ગુજરાતના રાજકીય વિશ્લેષકોમાં તીવ્ર ચર્ચા શરૂ થઈ ગઈ છે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score