પલ્લીકલ: સુર્યકુમાર યાદવની આગેવાની હેઠળની પ્રવાસી ભારતીય ક્રિકેટ ટીમ મંગળવારે શ્રીલંકા સામેની ત્રીજી ટી-20 મેચમાં રમશે. ત્યારે તેની નજર સિરીઝમાં હરીફ ટીમનાં વ્હાઈટવોશ તરફ રહેશે. કેમ કે ભારત હાલમાં 2-0 ની સરસાઈ પર છે. સાંજે 7-00 કલાકે મેચનો પ્રારંભ થશે.
ભારતીય ટીમે પ્રથમ મેચમાં જંગી સ્કોર નોંધાવ્યા બાદ વિજય હાંસલ કર્યો હતો તો રવિવારે રમાયેલી મેચમાં વરસાદના વિઘ્ન વચ્ચે ભારતને કપરો ટારગેટ મળ્યો હોવા છતાં તેણે આસાનીથી ટારગેટ વટાવીને મેચી જીતી લીધી હતી. આમ પ્રથમ બન્ને મેચમાં આસાન વિજય હાંસલ કરીને ભારત અત્યારે વ્હાઈટવોશ કરવાના આરે આવી ગયુ છે.
શ્રીલંકાની ટીમ હાલમાં નબળી છે અને સાથે સાથે તેઓ તાજેતરનાં સમયમાં સારૂ ફોર્મ પણ ધરાવતા નથી તેમ છતાં તેમણે રવિવારે થોડો પ્રતિકાર કર્યો હતો. પરંતુ ભારતની મજબુત બેટીંગ સામે તેઓ લાચાર બની ગયા હતા.
રવિવારે રમાયેલી મેચનાં લગભગ એક કલાક અગાઉ શ્રીલંકન વિમેન્સ ટીમે ભારતીય વિમેન્સ ટીમને હરાવીને એશીયાકપ જીત્યો હતો પરંતુ મેન્સ ટીમ એવો કોઈ ચમત્કાર કરી શકી ન હતી. આમ મહિલા ટીમની સફળતાથી પુરૂષ ટીમ પર ખાસ અસર પડી ન હતી કે તેમનામાં એવો કોઈ ઉત્સાહ પણ જણાતો ન હતો.