હવે બહુમાળી ઈમારતોનો જમાનો છે. લોકો હાઈરાઈઝ બિલ્ડીંગમાં રહેવાનું પસંદ કરે છે. કોઈ એવી હાઈરાઈઝ બિલ્ડીંગ બાકાત નહીં હોય જેમાં લિફ્ટ નહીં હોય. લિફ્ટ વિનાની બિલ્ડીંગની કલ્પના કરવી જ મુશ્કેલ છે. આજકાલ લિફ્ટમાં ફસાઈ જવું એ એક સામાન્ય સમસ્યા છે અને ક્યારેક પાવર ફેલ થવાને કારણે લોકો લિફ્ટમાં ફસાઈ જાય છે. પરંતું, છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીને અડીને આવેલા ગ્રેટર નોઈડા વેસ્ટમાં લોકો લિફ્ટમાં ફસાઈ જવાના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં લિફ્ટ એક્ટ પાસ થયા પછી પણ પરિસ્થિતિમાં સુધારો થયો નથી. કયારેક વડીલો તો કયારેક બાળકો તો કયારેક યુવાનો લિફ્ટમાં અટવાઇ જવાથી કલાકો સુધી પરેશાન થઇ રહ્યા છે. તાજેતરમાં એક મામલો ગ્રેટર નોઈડામાં એક હાઈરાઈઝ સોસાયટીમાંથી સામે આવ્યો છે.
દરવાજો લોખંડના સળિયાથી ખોલ્યો-
દિલ્હીમાં ગ્રેટર નોઈડા વેસ્ટ ગ્રીન આર્ચ સોસાયટીમાં મોડી રાત્રે ટેકનિકલ ખામીના કારણે લિફ્ટ બંધ થઈ ગઈ હતી અને એક 16 વર્ષનો બાળક લગભગ એક કલાક સુધી લિફ્ટમાં ફસાઈ ગયો હતો. ઘણી મહેનત બાદ તેને બહાર કાઢવામાં આવ્યો હતો. લોખંડના સળિયા વડે લિફ્ટના દરવાજા ખોલવાનો પ્રયાસ કરાયો હતો.
સોસાયટીમાં જ રહે છે પરિવાર સાથે-
પોલીસે જણાવ્યું હતું કે 11 ઓગસ્ટની રાત્રે બિસરાખ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગ્રીન આર્ચ સોસાયટીમાં આવેલી લિફ્ટ ટેક્નિકલ ખામીના કારણે બંધ થઈ ગઈ હતી. સોસાયટીના F ટાવર ફ્લેટ નંબર 1204 Aમાં પરિવાર સાથે રહેતો નિશેષ નામનો 16 વર્ષનો છોકરો આ લિફ્ટમાં ફસાઈ ગયો હતો. લગભગ એક કલાકની જહેમત બાદ સોસાયટીના ગાર્ડ, મેઇન્ટેનન્સ વિભાગ અને આસપાસના લોકોએ મળીને લોખંડના સળિયા વડે લિફ્ટનો દરવાજો ખોલી તેને સુરક્ષિત બહાર કાઢ્યો હતો.
તમને જણાવી દઈએ કે આ પહેલો કિસ્સો નથી. ગ્રેટર નોઈડા વેસ્ટની હાઈ રાઈઝ સોસાયટીમાં લોકો લિફ્ટમાં ફસાઈ જવાના અવારનવાર કિસ્સાઓ સામે આવે છે અને જવાબદાર લોકો સામે કોઈ મોટી કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી આવા કિસ્સાઓ હાલમાં અટકે તેમ લાગતું નથી. નિષ્ણાતો કહે છે કે લિફ્ટની યોગ્ય જાળવણીનો અભાવ અકસ્માતો માટે સૌથી મોટું કારણ છે.
જો તમે લિફ્ટમાં ફસાઈ જાઓ તો શું કરવું અને શું ન કરવું?
જો તમે ક્યારેય લિફ્ટમાં ફસાઈ જાઓ છો તો સૌ પ્રથમ શાંત રહો અને ગભરાશો નહીં. ગભરાટ પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. મોટાભાગની લિફ્ટમાં હેલ્પ બટન હોય છે. જેને દબાવીને તમે બિલ્ડિંગ મેનેજર અથવા સિક્યોરિટી ગાર્ડને જાણ કરી શકો છો. જો હેલ્પ બટન કામ કરતું નથી તો તમારા ફોનમાંથી કોઈને કૉલ કરો અને તેમને તમારી પરિસ્થિતિ વિશે જાણ કરો. પોતાની જાતે જ દરવાજો ખોલવાનો પ્રયાસ કરશો નહીં, તમને ઈજા થઈ શકે છે. મદદ ન આવે ત્યાં સુધી લિફ્ટની અંદર જ રહો. જો તમારી સાથે લિફ્ટમાં અન્ય કોઈ હોય તો તેમને શાંત રહેવા અને એકબીજાને સહારો આપો.
લિફ્ટમાં ફસાઈ ન જવાય માટે શું કરવું?
લિફ્ટને ઓવરલોડ હોય તો અંદર જશો જ નહીં. જો લિફ્ટ તૂટેલી લાગે તો તેમાં પ્રવેશશો નહીં. જો તમને લિફ્ટની અંદર કોઈ સમસ્યા જણાય તો તરત જ મેનેજરને જાણ કરો. લિફ્ટમાં ફસાઈ જવું એ સામાન્ય સમસ્યા છે. થોડી કાળજી અને સાચી માહિતી સાથે, તમે સરળતાથી આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકો છો. જો તમે પણ તમારા બાળકને લિફ્ટમાં એકલા મોકલો છો, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. તમારા બાળકને પણ લિફ્ટ અંગેની માહિતી આપો. જેથી ભવિષ્યમાં ક્યારેય પણ કોઈ સમસ્યા સર્જાય તો બાળકો મદદ માગી શકે છે.