વિદ્યાર્થીઓ નોકરી નહીં કરી શકે, H-1B વિઝામાં કાપ અને ગ્રીન કાર્ડ પણ અઘરું: અમેરિકામાં નવા બિલથી ખળભળાટ
By: Nation Gujarat Team
15 May, 2026
US Immigration Reform: અમેરિકામાં રહેતા કે ત્યાં જવા ઈચ્છતા ભારતીય પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રિપબ્લિકન સાંસદ ટોમી ટ્યુબરવિલે ‘એસિમિલેશન એક્ટ’ (ASSIMILATION Act) રજૂ કર્યો છે, જેનો ઉદ્દેશ્ય અમેરિકાની વર્તમાન ઇમિગ્રેશન સિસ્ટમમાં ધરખમ ફેરફારો કરવાનો છે. 82 પાનાના આ પ્રસ્તાવમાં H-1B વિઝાના નિયમો કડક કરવા, વિદેશી વિદ્યાર્થીઓના કામ કરવા પર પ્રતિબંધ મૂકવો અને નાગરિકતા માટે અંગ્રેજી ભાષાનું સ્તર વધારવા જેવી જોગવાઈઓ કરવામાં આવી છે.
H-1B વિઝાના નિયમોમાં મોટો ફેરફાર
આ નવા કાયદાની સૌથી વધુ અસર ભારતીય આઈટી પ્રોફેશનલ્સ પર પડી શકે છે. પ્રસ્તાવ મુજબ, H-1B વિઝાની વાર્ષિક મર્યાદા ઘટાડીને માત્ર 50,000 કરવાની યોજના છે. આ ઉપરાંત, કંપનીઓએ વિદેશી કામદારોને તે વ્યવસાયના સરેરાશ વેતન કરતા 200% વધુ પગાર ચૂકવવો પડશે. મહત્ત્વની વાત એ છે કે, H-1B વિઝા ધારકોને માત્ર 3 વર્ષ માટે જ સ્ટેટસ મળશે અને તેમાં કોઈ એક્સટેન્શન મળશે નહીં. તેમજ વિઝા પૂરા થયા પછી 2 વર્ષ અમેરિકાની બહાર રહ્યા વગર તેઓ કાયમી રહેઠાણ (ગ્રીન કાર્ડ) માટે અરજી કરી શકશે નહીં.
વિદેશી વિદ્યાર્થીઓ અને OPT પ્રોગ્રામ પર જોખમ
અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે પણ આ પ્રસ્તાવ મુશ્કેલી વધારનાર છે. આ કાયદા હેઠળ ‘ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ’ (OPT) પ્રોગ્રામને નાબૂદ કરવાની જોગવાઈ છે, જે હાલમાં વિદ્યાર્થીઓને અભ્યાસ પૂરો થયા પછી અમેરિકામાં કામ કરવાની મંજૂરી આપે છે. આ ઉપરાંત, ફેમિલી-બેઝ્ડ ઇમિગ્રેશન એટલે કે પરિવારના સભ્યોને અમેરિકા બોલાવવાના નિયમો પણ અત્યંત મર્યાદિત કરી દેવામાં આવશે.
નાગરિકતા મેળવવી બનશે વધુ મુશ્કેલ
અમેરિકન નાગરિકતા મેળવવા ઈચ્છતા લોકો માટે રહેઠાણની મર્યાદા 5 વર્ષથી વધારીને 10 વર્ષ કરવાની દરખાસ્ત છે. સાથે જ, અંગ્રેજી ભાષાની નિપુણતા પણ વધારવામાં આવશે, જેથી માત્ર સારી અંગ્રેજી જાણનારા લોકો જ નાગરિક બની શકે. પ્રસ્તાવમાં ‘ડાયવર્સિટી વિઝા લોટરી’ પ્રોગ્રામને પણ સંપૂર્ણપણે બંધ કરવાની વાત કહેવામાં આવી છે.
કઠોર નિયમો પાછળનો હેતુ
સાંસદ ટ્યુબરવિલે જણાવ્યું હતું કે, અમેરિકા આવવું એ એક વિશેષાધિકાર છે, અધિકાર નહીં. આ કાયદાનો મુખ્ય હેતુ અમેરિકન કામદારોના હિતોનું રક્ષણ કરવું અને એવા લોકોને પ્રોત્સાહન આપવું છે જેઓ અમેરિકન સંસ્કૃતિ સાથે ભળી જવા તૈયાર હોય. વર્ષ 2026ની ચૂંટણીઓ પહેલા અમેરિકામાં ઇમિગ્રેશનનો મુદ્દો અત્યંત ગરમાયો છે, અને ટ્રમ્પ પ્રશાસન પણ ડિપોર્ટેશન અને કડક સરહદ અમલીકરણ પર ભાર આપી રહ્યું છે.