અમદાવાદ, તા. 14
ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશન દ્વારા ગિફટ સીટી ખાતે આયોજિત વર્લ્ડ જુનીયર ચેસ ચેમ્પિયનશીપ ર0ર4માં દિવ્યા દેશમુખ ટાઇટલ વિજેતા બની છે. ઓપન કેટેગરીમાં કઝાકિસ્તાનના નોગેરબેક કાઝીબેકે ખિતાબ જીત્યો હતો. પુરસ્કાર વિતરણ સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રમુખ અર્કાડી ડ્વોર્કોવિચ ઉપસ્થિત હતા.
આ ચેમ્પિયનશીપમાં 46 દેશોએ અને ભારતમાંથી રર8 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભુપેન્દ્રભાઇ પટેલની હાજરીથી આ કાર્યક્રમની પ્રતિષ્ઠામાં વધારો થયો હતો અને યુવા રમત ગમત પ્રતિભાઓને ઓળખવા અને પ્રોત્સાહન આપવાના મહત્વ પર ભાર મુકયો હતો.
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આવા પ્રતિષ્ઠિત કાર્યક્રમનું આયોજન કરવા બદલ અમે અત્યંત ગર્વ અનુભવીએ છીએ. આ યુવા ખેલાડીઓની સફળતા બધા માટે પ્રેરણા છે, જે સખત મહેનત, વ્યુહાત્મક વિચારસરણી અને સમર્પણનું મહત્વ દર્શાવે છે.
દિવ્યા દેશમુખ અને નોગેરબેક કાઝીબેકને તેમની નોંધપાત્ર સિધ્ધિઓ બદલ અભિનંદન. તેમની જીત ચેસના ઉજજવળ ભવિષ્ય અને આ રમતમાંથી ઉભરી રહેલી વૈશ્વિક પ્રતિભાને પ્રકાશિત કરે છે.
કઝાકિસ્તાનના નોગેરબેક કાઝીબેકે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અસાધારણ પ્રતિભા અને વ્યુહાત્મક રમત દર્શાવીને ઓપન કેટેગરીમાં વિજય મેળવ્યો હતો. તેણે 11માંથી 8 12 પોઇન્ટ મેળવ્યા હતા. આંતરરાષ્ટ્રીય પ્રતિભાની આ પૃષ્ઠભૂમિ સામે, દિવ્યા દેશમુખે પોતાની અપ્રતિમ કુશળતા અને દ્રઢ નિશ્ચયથી પોતાને પ્રતિષ્ઠિત કર્યા.
આખરે 11માંથી 10 મેચ જીતી અને વિશ્વ જુનીયર ચેસ ચેમ્પિયનનો પ્રતિષ્ઠિત ખિતાબ જીત્યો, તેણીની જીત માત્ર તેણીના વ્યકિતગત કૌશલ્યનું પ્રતીક નથી પરંતુ વૈશ્વિક ચેસ ક્ષેત્રમાં ભારતના વધતા પ્રભાવને પણ પ્રકાશિત કરે છે.
મુખ્યમંત્રીએ દિવ્યાના અનુકરણીય પ્રદર્શનની પ્રશંસા કરી હતી. પુરસ્કાર વિતરણ સમારોહમાં એફઆઇડીઇના પ્રમુખ આર્કેડી ડવોર્કોવિચની હાજરીએ ચેમ્પિયનશીપની વૈશ્વિક માન્યતા અને ચેસની દુનિયામાં તેના મહત્વ પર વધુ પ્રકાશ પાડયો હતો.