Vadodara News : ભારે વરસાદને પગલે વડોદરામાં મેઘતાંડવ જોવા મળ્યું છે. વડોદરામાં મધ્યમાંથી વહેતી વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યુ છે. જેથી વડોદરાના અનેક રાજમાર્ગો પર વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યાં છે. સમા ઊર્મિ બ્રિજથી અમિતનગર સર્કલ સુધી વિશ્વામિત્રી નદીના પાણી આવી ગયા છે. મંગલપાંડે રોડ, સમા ગામ, સયાજીગંજ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. વડસર, કારેલીબાગ, મુજમહોડા, ફતેગંજ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. તંત્રએ આર્મી અને એરફોર્સને સ્ટેન્ડબાય રાખી છે. મ્યુનિસિપલ કમિશનર, મેયર, ચેરમેન, સાંસદ, વિધાનસભા દંડક, ધારાસભ્યો આખી રાત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં બેસી સ્થિતિનો તાગ મેળવી રહ્યાં છે. વિશ્વામિત્રી નદીની સપાટી કાલાઘોડા બ્રિજ પર 32 ફૂટ પર પહોચી છે. સમા હરણી બ્રિજ પર 40.83 ફૂટ, અકોટા બ્રિજ પર 36 ફૂટ, મંગલ પાંડે બ્રિજ પર 35 ફૂટ પર પહોંચી છે.
શાળા-કોલેજમાં રજા જાહેર
ભારે વરસાદને પગલે વડોદરામાં ભારે વરસાદના કારણે આજે 27 ઓગસ્ટ, 2027 ના રોજ સ્કૂલ કોલેજમાં રજા જાહેર કરાઈ છે. જિલ્લા શિક્ષણાધિકારી આર આર વ્યાસે આ જાહેરાત કરી છે. સ્કૂલ સંચાલકોને પરિપત્ર મોકલી સ્કૂલમાં રજા આપવા સૂચના અપાઈ છે. આજે પણ વડોદરામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
વિશ્વામિત્રી નદીની સપાટી 32 ફૂટ પહોંચી
વિશ્વામિત્રી નદીની સપાટી 32 ફૂટ પર પહોંચી છે. વડોદરામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. વડોદરા ટ્રાફિક એસીપી, એમ એસ યુનિ તેમજ ફતેગંજ નરહરિ હોસ્પિટલમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યાં છે. મ્યુનિસિપલ કમિશનરના બંગલામાં પાણી ફરી વળ્યાં છે. વુડા સર્કલ પાસે વિશ્વામિત્રી બ્રિજ પર પાણી ફરી વળ્યાં છે. વિશ્વામિત્રી નદીના પાણી સયાજી હોસ્પિટલમાં ફરી વળ્યાં છે.
આસોજ ગામમાં 1000 લોકોનું સ્થળાંતર
આજવા સરોવરમા પાણી છોડાતા આસપાસના ગામમા પાણી ઘૂસ્યા છે. આસોજ ગામમા પાણી ઘુસતા એક હજાર લોકોનુ સ્થળાંતર કરવાની ફરજ પડી છે. વડોદરા તાલુકાના આસોજ ગામમાં આજવા સરોવરના પાણીની અસર થતાં આસોજ ગામના તળાવનું પાણી લોકોના ઘરોમાં પાણી ચૂક્યા છે. આખા આસોજ ગામમાં પાણી જોવા મળી રહ્યું છે. આસોજ પ્રાથમિક શાળામાં પણ પાણી ઘૂસી ચુક્યા છે અને આસોજ પ્રાથમિક શાળામાં પણ ઘણું નુકસાન થયું છે. આસોજ ગામમાં વિકટ પરિસ્થિતિ છે. લોકોનું કહેવું છે કે સરપંચ કે તલાટી જોવા પણ નથી આવ્યા. લોકો પોતે પોતાના જીવ બચાવવા માટે જે કે હાથમાં આવ્યું તે લઈ અને સુરક્ષિત જગ્યા પર પહોંચ્યા છે. આસોજ ગામની પરિસ્થિતિ વધુ વકરી રહી કેવું લાગી રહ્યું છે.