વડોદરામાં મગરો અને અન્ય જળચર બહાર આવવાના બનાવો પૂર દરમિયાન વધી ગયા છે. હજી આગામી દિવસોમાં આ પ્રકારના બનાવો ચાલુ રહે તેવી શક્યતા છે. પૂર દરમિયાન જે મગરોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે તેમાં મોટાભાગના મગરો ૧૦ થી ૧૫ ફૂટ સુધીના છે. વિશ્વામિત્રી નદીમાં મગરો સૌથી વધુ પ્રમાણમાં વસવાટ કરી રહ્યા છે. નદીમાં નવું પાણી આવવાથી મગરો બહાર નીકળી જતા હોય છે અને પાણી શાંત થયા બાદ તેઓ પરત પાણીમાં પરત ફરતા હોય છે.
વિશ્વામિત્રીના પૂરના પાણીની સાથે સાથે સંખ્યાબંધ સ્થળોએ મગરો આવી ગયા હોવાના બનાવો બની રહ્યા હોવાથી જીવદયા કાર્યકરો અને ફોરેસ્ટ વિભાગ દ્વારા મગરોનું રેસ્કયૂ કરવામાં આવી રહ્યું છે.રેન્જ ફોરેસ્ટ ઓફિસરના કહેવા મુજબ પૂરના ચાર દિવસમાં રેસ્ક્યૂ ટીમોએ કુલ ૨૩ મગરો અને ૮૦ થી વધુ સરિસૃપોનું રેસ્ક્યૂ કર્યું છે.
ગઇરાતે ખાસવાડી સ્મશાનમાંથી ૧૦ ફૂટના મગરનું અરવિંદ પવારની ટીમે રસ્ક્યૂ કર્યા બાદ આજે સવારે પણ સ્મશાનના લાકડા મૂકવાના ભાગે ૧૦ ફૂટનો મગર આવી જતાં તેનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત ફોરેસ્ટના રેસ્ક્યૂઅર જીગ્નેશ પરમારની ટીમ દ્વારા કમાટીબાગમાંથી ૧૨ ફૂટના અને મારેઠા ગામેથી ૯ ફૂટના મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
મગરો પકડાવાની સંખ્યા સતત વધી રહી છે ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા મગરોને આઠ થી દસ કલાક રાખીને નજીકમાં વિશ્વામિત્રીમાં છોડી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જીવદયા કાર્યકરોનું માનવું છે કે, મગરોને નજીકમાં છોડવામાં આવતા હોવાથી તેઓ ફરીથી બહાર આવી જાય છે અને મહેનત માથે પડતી હોય છે.પરંતુ ફોરેસ્ટ વિભાગે પકડાયેલા મગર કલાકોમાં ફરીથી બહાર આવતા હોય તેવા કેસ જવલ્લે જ બનતા હોય છે અને મગર સુરક્ષિત રહે તે માટે તેને તરત જ ફરી છોડી દેવામાં આવતો હોવાનું જણાવ્યું હતું.