મળતી માહિતી મુજબ, ઓપરેશન જમણા હાથનું કરવાનું હતું, પરંતુ ઓપરેશન કરનાર ડૉક્ટરે ભૂલથી બાળકના ડાબા હાથ પર સર્જરી કરી દીધી અને ખોટા હાથની આંગળી કાઢી નાખી હતી. ત્યારબાદ પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મામલે હોસ્પિટલનો પક્ષ છે કે બાળકના બંને હાથમાં સમસ્યા હતી, તેથી બીજા હાથનું ઓપરેશન પણ કરવાનું જ હતું. જોકે, પીડિતના પરિવારનો આરોપ છે કે ડાબા હાથમાં આ બીમારીને લઈને કોઈ તકલીફ નહોતી.
દર્દીઓની સુરક્ષાને લઈને સવાલો
હાલમાં પરિવાર તરફથી હોસ્પિટલ મેનેજમેન્ટ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ આરોપ બાદ આરોગ્ય વિભાગે ઘટનાની તપાસ માટે બે સભ્યોની પેનલની રચના કરી છે. પીડિત બાળકના પરિવારનું કહેવું છે કે તેમણે સ્પષ્ટપણે જમણા હાથના ઓપરેશન માટે NOC સાઇન કર્યું હતું, પરંતુ ડૉક્ટર દ્વારા બાળકના ખોટા હાથની સર્જરી કરવામાં આવી છે. આ ઘટના બાદ મહારાષ્ટ્રની ગ્રામીણ હોસ્પિટલોમાં દર્દીઓની સુરક્ષાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે.