એશિયા કપમાં ભારતની બીજી મેચ પણ વરસાદના કારણે ધોવાઈ શકે છે. શ્રીલંકામાં કેન્ડીના પલ્લેકેલે સ્ટેડિયમમાં સોમવારે ભારતનો મુકાબલો નેપાળ સામે થશે. બપોરે મેચના સમયે વાદળછાયું વાતાવરણ રહેશે. વરસાદની 89 ટકા શક્યતા છે. તાપમાન 21થી 27 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં રહી શકે છે.
હકીકતમાં, આ જ સ્ટેડિયમમાં શનિવારે ભારત-પાકિસ્તાનની મેચ પણ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. મેચમાં વરસાદના કારણે માત્ર એક જ ઇનિંગ રમી શકાઇ હતી જ્યારે બીજી ઇનિંગમાં એક પણ બોલ ફેંકી શકાયો નહોતો. ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 266 રન બનાવ્યા હતા.
મેચની શરૂઆતમાં ભારે વરસાદની અપેક્ષા
AccuWeather અનુસાર, શ્રીલંકાના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે સવારે 8 વાગ્યાથી કેન્ડીમાં વરસાદની સંભાવના છે અને મોડી રાત સુધી ઝરમર વરસાદ ચાલુ રહી શકે છે. તો, મેચ દરમિયાન બપોરે 2 વાગ્યાથી ભારે વરસાદની સંભાવના છે. ભારત અને નેપાળની મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યાથી રમાશે. ટૉસ બપોરે 2.30 કલાકે થશે.
જો મેચ રદ થશે તો પણ ભારત સુપર-4માં પહોંચી જશે
જો સોમવારે ભારત અને નેપાળ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવે તો પણ ભારત સુપર-4માં પહોંચી જશે. હકીકતમાં નેપાળ પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે હારી ગયું છે. આવી સ્થિતિમાં, નેપાળ હાલમાં તેના ગ્રુપમાં સૌથી નીચેના સ્થાને છે અને તેના ઝીરો પોઈન્ટ છે, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ્દ થવાને કારણે બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યા છે.
આ સાથે જ પોઇન્ટ ટેબલમાં પાકિસ્તાન પોતાના ગ્રુપમાં 3 પોઇન્ટ સાથે ટોપ પર છે. જ્યારે ભારત બીજા સ્થાને છે. આવી સ્થિતિમાં જો નેપાળ સાથેની મેચ રદ થાય છે તો તેના 2 પોઇન્ટ થશે અને નેપાળ પાસે માત્ર 1 પોઇન્ટ રહેશે. આ રીતે ગ્રુપમાં બીજા સ્થાને રહીને ભારત પણ પાકિસ્તાનની સાથે સુપર-4માં પહોંચી જશે.