એક તરફ ઉનાળો આવી ગયો છે. આ સાથે-સાથે રમઝાનનો મહીનો પણ છે. જેના પગલે લીંબુનું ઉત્પાદન ઓછું થયું છે. પરંતુ ઉનાળાના કારણે લીંબુનો વપરાશ પણ વધ્યો છે. ત્યારે ભાવનગરની બજારમાં લીંબુનો ભાવ 200 રૂપિયા સુધી આંબી ગયો છે. તો આગામી સમયમાં ગરમી વધશે તો ભાવ પણ વધવાની સંભાવના છે.
મહત્વનું છે કે ભાવનગર માર્કેટ યાર્ડમાં લીંબુનો હોલસેલ ભાવ 130 રૂપિયા કિલો ચાલી રહ્યો છે. નબળી ગુણવત્તાના લીંબુ 100 રૂપિયાની આસપાસના હોલસેલ ભાવે વેચાઇ રહ્યા છે. પરંતુ આ લીંબુ છૂટક બજારમાં આવતા-આવતા 200 રૂપિયા કિલો થઇ જાય છે.
રમઝાન મહીનાને લઇ પણ લીંબુની માંગમાં ધરખમ વધારો થયો છે. તેની સામે ઓછું ઉત્પાદન થતા લીંબુનો ભાવ વધી ગયો છે.એક મહિના પહેલા ભાવનગરમાં લીંબુ 40 રૂપિયાના કિલો મળી રહ્યા હતા. તે લીંબુ હવે 200 રૂપિયાના કિલો મળી રહ્યા છે. ત્યારે ગૃહિણીઓનું બજેટ તો ખોરવાયું જ છે. આ સાથે લીંબુના સોડા-શરબત સહિતની વસ્તુઓનો આનંદ માણતા લોકોમાં પણ ભાવ પ્રત્યે ખટાશ જોવા મળી રહી છે.