રાહુલ ગાંધીને વાયનાડથી હારી જવાનો ડર!:અમેઠીથી ભાગીને રાયબરેલી પહોંચ્યા, હવે હું તેમને કહું છું- ડરો નહીં, ભાગો નહીં: સંબોધનમાં મોદીએ મજા લીધી

By: nationgujarat
03 May, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળના બર્ધમાન-દુર્ગાપુર અને કૃષ્ણનગરમાં સભા યોજી હતી. મોદીએ તેમના ભાષણની શરૂઆત જય મા દુર્ગા, જય મા કાલી અને હર હર મહાદેવના નારા સાથે કરી હતી.

39 મિનિટના ભાષણમાં મોદીએ પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર, સંદેશખાલી, રામમંદિર, રામનવમી, વોટ-જેહાદ, કોંગ્રેસ અને રાહુલ ગાંધીની રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડવા બાબતે વાત કરી હતી.

તેમણે કહ્યું- TMCના એક ધારાસભ્ય કહે છે કે હિન્દુઓને ભાગીરથીમાં ફેંકી દેવાશે. તેઓ કઈ ભાષા બોલે છે? બંગાળ સરકારે અહીંના હિન્દુઓને બીજા વર્ગના નાગરિક બનાવ્યા છે. સંદેશખાલીમાં દલિત બહેનો પર અત્યાચાર થઈ રહ્યો છે અને અહીંની સરકાર આરોપીઓને બચાવવામાં વ્યસ્ત છે. એ પણ માત્ર એટલા માટે કે તેનું નામ શાહજહાં શેખ છે.

PM મોદીએ આગળ કહ્યું, બે તબક્કાનાં મતદાન બાદ વિપક્ષ મોદી વિરુદ્ધ વોટ-જેહાદ કરી રહ્યો છે. દેશના લોકો જેહાદનો અર્થ સારી રીતે સમજે છે.

વડાપ્રધાને રાહુલ પર કહ્યું- શેહઝાદાને વાયનાડથી હારી જવાનો ડર છે, તેથી અમેઠીથી ભાગીને રાયબરેલી પહોંચ્યા. તેઓ બધાને કહે છે – ડરશો નહીં. હું તેમને કહું છું- ડરશો નહીં… ભાગો નહીં.

મોદીનું 39 મિનિટનું ભાષણ 9 મુદ્દામાં…

1. દેશ અને તમે બધાએ મને ખૂબ આશીર્વાદ આપ્યા છે
PM મોદીએ કહ્યું- દેશ અને તમે બધાએ મને ખૂબ આશીર્વાદ આપ્યા છે. કદાચ કોઈ વ્યક્તિ તેના જીવનમાં કલ્પના પણ ન કરી શકે કે ભગવાનના રૂપમાં લોકો આટલા બધા આશીર્વાદ વરસાવે અને અવિરત વરસે તથા આ આશીર્વાદ વર્ષોવર્ષ વધતા જાય છે. જીવનમાં આનાથી મોટો સંતોષ કયો હોય?

2. હું મોજ- મજા કરવા માટે જન્મ્યો નથી
તેમણે કહ્યું, તમે એ પણ જાણો છો કે જો પદ અને પ્રતિષ્ઠાની ઈચ્છા હોય તો એક વખત કોઈ વ્યક્તિ PMના શપથ લે છે, તો તે ચોક્કસપણે તેના જીવનમાં ઊંચાઈ પ્રાપ્ત કરે છે અને તેનું નામ ઈતિહાસમાં નોંધાઈ જાય છે. લોકોને લાગે છે કે મોદીજી બે વખત પીએમ રહી ચૂક્યા છે અને દુનિયામાં એટલા પ્રખ્યાત થઈ ગયા છે. અરે, થોડો સમય આરામ કરો. હું મોજ- મજા કરવા માટે જન્મ્યો નથી. હું 140 કરોડ દેશવાસીઓની સેવા કરવા નીકળ્યો છું.

3. TMCના ધારાસભ્યએ હિન્દુઓને ભાગીરથીમાં વહાવી દેવાની ધમકી આપી
મોદીએ આગળ કહ્યું- મેં ગઈકાલે ટીવી પર જોયું કે ટીએમસીના ધારાસભ્ય કહી રહ્યા હતા કે ભાગીરથીમાં 2 કલાકમાં હિન્દુઓ વહી જશે. આ કઈ ભાષા છે? બંગાળની ટીએમસી સરકારે હિન્દુઓને બીજા વર્ગના નાગરિક બનાવ્યા છે. આ કેવા લોકો છે, જેને જય શ્રીરામના નારા સામે પણ વાંધો છે? તેમને રામમંદિરના નિર્માણ સામે વાંધો છે, રામનવમીની શોભાયાત્રા સામે વાંધો છે.

4. TMC સંદેશખાલીના ગુનેગારને બચાવતી રહી
તેમણે કહ્યું હતું કે હું ટીએમસી સરકારને પૂછવા માગું છું કે અહીં સંદેશખાલીમાં અમારી દલિત બહેનો સાથે આટલો મોટો ગુનો કેમ થયો? આખો દેશ કાર્યવાહીની માગ કરતો રહ્યો, પરંતુ ટીએમસી ગુનેગારને બચાવતી રહી. શું માત્ર એટલા માટે કે તે ગુનેગારનું નામ શાહજહાં શેખ હતું.

5. વિપક્ષ કહે છે- મોદી વિરુદ્ધ વોટ-જેહાદ કરો
PMએ કહ્યું- વોટના ભૂખ્યા આ લોકોએ પ્રથમ બે તબક્કામાં પોતાનું નસીબ ગુમાવ્યું છે. હવે તેઓ ખુલ્લેઆમ એક નવી રમત લઈને આવ્યા છે. હવે તેઓ કહે છે કે મોદી વિરુદ્ધ વોટ-જેહાદ કરો. જેહાદ શું છે એ આપણા દેશના લોકો સારી રીતે જાણે છે.

6. INDI ગઠબંધનના તમામ મતદારો જેહાદ સાથે સંમત છે
તેમણે કહ્યું- આપણા દેશમાં દાયકાઓથી પડદા પાછળ ચૂપચાપ વોટ-જેહાદની રમત ચાલી રહી હતી. પહેલીવાર તેઓ એટલા નિરાશ થઈ ગયા છે કે હવે તેઓ જાહેરમાં વોટ-જેહાદની જાહેરાત કરી રહ્યા છે, તેથી જ કોંગ્રેસ, ટીએમસી અને ડાબેરી પરિવાર વોટ-જેહાદની આ અપીલ પર ચૂપ છે. એનો અર્થ એ થયો કે INDI ગઠબંધનના તમામ મતદારો જેહાદ સાથે સંમત છે.

7. કોંગ્રેસને ત્રણ પડકાર આપ્યા
હું છેલ્લા 10 દિવસથી કોંગ્રેસને સતત ત્રણ પડકાર આપી રહ્યો છું, પરંતુ તેઓ મૌન છે. પ્રથમ- કોંગ્રેસ અને INDI ગઠબંધને દેશને લેખિત ખાતરી આપવી જોઈએ કે તેઓ બંધારણમાં ધર્મના આધારે અનામતમાં કોઈ ફેરફાર નહીં કરે.

બીજું- તેમણે દેશને લેખિતમાં વચન આપવું જોઈએ કે તેઓ SC/ST અને OBCનું અનામત છીનવી લેશે નહીં અને ધર્મના આધારે કોઈની વચ્ચે વહેંચશે નહીં. ત્રીજું – તેમણે લેખિતમાં જણાવવું જોઈએ કે જ્યાં પણ રાજ્ય સરકારો છે ત્યાં OBC ક્વોટાને કાપીને ધર્મના આધારે મુસ્લિમોને અનામત આપવામાં આવશે નહીં.

8. કોંગ્રેસ દેશના ભાગલા પાડવા માટે ચૂંટણી મેદાનમાં છે
તેમણે કહ્યું- આ વખતે કોંગ્રેસ પહેલાં કરતાં ઓછી સીટો પર જવાની છે. હવે દેશ પણ સમજી રહ્યો છે કે આ લોકો ચૂંટણી જીતવા માટે નથી લડી રહ્યા, તેઓ માત્ર ચૂંટણી મેદાનનો ઉપયોગ દેશના ભાગલા પાડવા માટે કરી રહ્યા છે.

9. શેહઝાદા અમેઠીથી ભાગીને રાયબરેલી પહોંચ્યા
મોદીએ છેલ્લે કહ્યું- મેં પહેલા જ કહ્યું હતું કે વાયનાડમાં હારના ડરથી શેહઝાદા પોતાના માટે બીજી સીટ શોધી રહ્યા છે. હવે તેમને અમેઠીથી ભાગીને રાયબરેલી બેઠક પસંદ કરવી પડી છે. આ લોકો ફરી ફરીને દરેકને કહે છે – ડરશો નહીં! હું પણ તેમને એ જ કહીશ – ડરશો નહીં! ભાગો નહિ!


Related Posts

Load more