ઉત્તર ભારતના હિમાલયના રાજ્યોમાં હિમવર્ષા અને બર્ફીલા પવનોના કારણે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. માત્ર એટલું જ નહીં, 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી રાજ્યભરના જનજીવન પર અસર થઈ છે. કચ્છના નલિયામાં સૌથી ઓછું 3.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ચાર મહાનગર એવા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં 11થી 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. રાજ્યમાં બે દિવસ ઠંડી યથાવત્ રહેવાની આગાહી છે. જ્યારે નલિયામાં 2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. 12 વર્ષ પહેલા પણ નલિયામાં 2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. છેલ્લા બે દિવસથી હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. શહેરમાં બુધવારે એક ડિગ્રી જેટલું તાપમાન ગગડ્યું હતું. મંગળવારે અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે બુધવારે શહેરનું તાપમાન 12.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં સરેરાશ 10 ડિગ્રીથી 14 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું હતું.