Gujarat Rain: હવામાન વિભાગે આજે એટલે કે 28 ઓગસ્ટના રોજ રાજ્યના છ જિલ્લાઓમાં વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કર્યું છે. જે જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે તેમાં કચ્છ , દેવભૂમિ દ્વારકા , જામનગર , પોરબંદર , જૂનાગઢ , રાજકોટનો સમાવેશ થાય છે. અહી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સ્કૂલોમાં રજાઓ જાહેર કરાઇ છે. અમદાવાદ,રાજકોટ, વડોદરા,સહિત મોટાભાગના જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરાઇ છે.
અરવલ્લી, પોરબંદર, મહેસાણા, પાટણ, અમદાવાદ, રાજકોટ, બોટાદ, આણંદ, ખેડા, મહિસાગર, કચ્છ અને મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળા તેમજ ગ્રાન્ટ ઈન એઈડ અને ખાનગી શાળાઓ તથા કોલેજમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. ભારે વરસાદના કારણે વિદ્યાર્થીઓની સલામતીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અરવલ્લી જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરાઇ છે. વરસાદના રેડ એલર્ટને લઇને અરવલ્લી જિલ્લા કલેકટરે નિર્ણય લીધો હતો. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. મહીસાગર જિલ્લામાં 1 થી 12 સુધીની પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
અતિ ભારે વરસાદની આગાહીને કારણે પોરબંદર જિલ્લાની પ્રાથમિક (સરકારી અને નોન ગ્રાન્ટેડ) અને હાઈસ્કૂલ(સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ) માં સલામતી અને સાવચેતીના ભાગ રૂપે વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે. જોકે આચાર્ય અને શિક્ષકોને શાળામાં હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે.
મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને લઈને શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લાની તમામ સરકારી ગ્રાન્ટેડ તેમજ ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને રજા અપાઇ છે. સ્ટાફને ફરજિયાત હાજરી આપવી પડશે અને કામગીરી નિભાવવાની રહેશે. કચ્છમાં પણ શાળાઓમાં રજા જાહેર કરાઇ હતી. વરસાદના રેડ એલર્ટને પગલે શાળાઓ બંધ રહેશે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ બંધ રહેશે.મહેસાણા જિલ્લાની તમામ શાળામાં રજા જાહેર કરાઇ છે. જિલ્લા કલેક્ટરે આદેશ આપ્યો હતો. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી જામનગર જામનગર જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉ. મા. શાળાઓમાં અભ્યાસકાર્ય બંધ રાખવાની જિલ્લા વહીવટી તંત્રે જાહેરાત કરી હતી. પાટણ જિલ્લાની પણ તમામ સ્કૂલોમા આજે રજા રહેશે. આણંદ અને ખેડામાં આજે આંગણવાડી, શાળા અને કોલેજો બંધ રહેશે.આણંદના DDO અને ખેડાના કલેક્ટરે માહિતી આપી હતી.