ગુજરાતમાં નકલીની બોલબાલા જોવા મળી રહી છે. કચ્છમાંથી નકલી EDની ટીમ, સુરતમાંથી નકલી પોલીસ બાદ હવે રાજકોટમાંથી પણ વધુ એક નકલી પોલીસ કર્મી ઝડપાયો છે. હોટલમાં મહિલાને મળવા ગયેલા યુવક પાસેથી આ નકલી પોલીસે તોડ કર્યો હતો. બનાવની જાણ પોલીસને થતા પોલીસે નકલી પોલીસ બનીને ફરતા અલ્તાફ ખેરડીયા નામના શખ્સની ધરપકડ કરી હતી.
રાજ્યભરમાં નકલીની બોલબાલા વચ્ચે રાજકોટમાં નકલી પોલીસ તોડ કરતાં પકડાયો છે. CAની ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હાર્દિક નામનો 22 વર્ષનો યુવાન બસ સ્ટેન્ડ પાછળની હોટલમાં મહિલાને મળવા ગયા બાદ તેને એક શખ્સે પોલીસ તરીકે ઓળળ આપી, દમદાટી આપી 40 હજારનો તોડ કર્યો હતો. આ અંગે અરજી થયા બાદ CCTV કેમેરાનાં આધારે પોલીસે નકલી પોલીસ બનેલા અલ્તાફ ખેરડીયાને ઝડપી લીધો હતો.
બનાવની વિગત જોઇે તો કણકોટ મેઇન રોડ પર સિધ્ધી શેફાયર એપાર્ટમેન્ટમાં રહેતા અને એક CAની ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હાર્દિક દુધાત 20 જુલાઇ 2024માં એસટી બસ ડેપોની પાછળ આવેલી હોટલમાં ચા પીવા ગયો હતો અને જ્યાંથી નજીકમાં આવેલી એક હોટલમાં મહિલાને મળવા ગયો હતો.
હોટલમાંથી પોતાની કાર લઇને ઘરે જતો હતો. આ દરમિયાન 80 ફૂટના રોડ પર એક્સેસ ઉપર આવેલા શખ્સે કાર ઉભી રખાવી હતી અને કહ્યું કે, ‘હું પોલીસવાળો છું. ડીસ્ટાફમાં નોકરી કરૂં છું. હું તારો બસ સ્ટેન્ડની હોટલથી પીછો કરૂં છું, તારૂ લાયસન્સ બતાવ. જેથી તેને લાયસન્સ બતાવતાં જ તે શખ્સે કહ્યુ કે, બસ સ્ટેન્ડ પાછળ આવેલી હોટલમાં તે એક છોકરી સાથે ખરાબ કામ કર્યું છે જેથી તારે પોલીસ સ્ટેશન આવવું પડશે તેમ કહીને કારમાં બેસી ભક્તિનગર સર્કલ લઇ ગયો હતો. જ્યાં મામલો પૂરો કરવા માટે 1.50 લાખની માંગણી કરી હતી. રકઝકના અંતે રૂપિયા 40 હજાર લેવા તૈયાર થઇ ગયો હતો.’ આ અંગે હાર્દિકે એ ડિવિઝન પોલીસ મથકમાં અરજી કરી હતી.
આ અરજીના આધારે પીઆઇ બારોટ અને ASI મહેશ લુવાએ CCTV કેમેરા જોવાનું શરૂ કર્યું હતું. જેના આધારે અલ્તાફની ઓળખ મેળવી તેને સકંજામાં લીધો હતો ત્યારપછી હાર્દિકે તેને ઓળખી બતાવતાં તેની ફરિયાદ પરથી ગુનો દાખલ કરી અલ્તાફની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસ અનુસાર અલ્તાફ અગાઉ ચોરી, મારામારી સહિતના 9 ગુનામાં રાજકોટ, મોરબી,ભાવનગર વગેરે શહેરોમાં પકડાઇ ચુક્યો છે, તેણે પિતાની સારવાર માટે તોડ કર્યાનું રટણ કર્યું છે. આ પ્રકારનાં બીજા ગુના આચર્યા છે કે કેમ તે બાબતે પોલીસ તપાસ જારી રાખી છે.