સૌરાષ્ટ્રમાં વિઠ્ઠલ રાદડિયાનો સહકારી ક્ષેત્રે દબદબો હતો. તેઓ ખેડૂત નેતા તરીકે પ્રખ્યાત હતા. ત્યારે હવે યુવા નેતા જયેશ રાદડિયાએ પિતાનો વારસો આગળ વધાર્યો છે. ઈફ્કોમાં જીત બાદ હવે ક્રિભકોમાં પણ જયેશ રાદડિયાનો દબદબો જોવા મળ્યો છે. ક્રિભકો કંપનીની સામાન્ય ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઈ છે.
રાજકોટમાં ફરી સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડીયાની જીત થઈ છે. ક્રિભકો ખાતર કંપનીની દસમી સામાન્ય સભ્યની ચૂંટણી યોજાઈ હતી. જેમાં રાજકોટ જિલ્લો, મોરબી જિલ્લો, કચ્છ જિલ્લો બિન હરીફ જાહેર થયો હતો. ધારાસભ્ય જયેશ રાદડીયાની આગેવાની વચ્ચે જાહેર થયેલ તમામ સભ્યો જીત્યા છે. ગુજરાતમાં કુલ ચાર ઝોનમાંથી કુલ 230 સભ્યો માટે ચૂંટણી યોજાઈ હતી. રાજકોટ જિલ્લા ઝોનની 101 બેઠક પર જયેશ રાદડીયાનાં આગેવાનોની જીત થઈ છે.
દબંગ નેતા વિઠ્ઠલભાઈનું સંતાન એટલે જયેશ રાદડિયા
20મી ડિસેમ્બર, 1981માં જામકંડોરણામાં જન્મેલા જયેશ રાદડિયાએ સિવિલમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. નેતાના પુત્રના રાજનીતિમાં આવવાનાં લક્ષણો યુવાવયે જ દેખાતા હતા. કૉલેજકાળમાં તેઓ એબીવીપી સાથે જોડાયા. જ્યારે તેઓ 2000-01માં એમ.એસ. યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હતા ત્યારે તેઓ જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે 2007માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે તેમના પિતા વિઠ્ઠલભાઈ કૉંગ્રેસમાં હતા. તેમણે જયેશ રાદડિયાને રાજકોટ પૂર્વમાંથી કૉંગ્રેસની ટિકિટ અપાવડાવી. જોકે જયેશ રાદડિયાની ગોવિંદભાઈ પટેલ સામે હાર થઈ હતી. 24 વર્ષની તેમની રાજકીય કારકિર્દીમાં માત્ર આ જ ચૂંટણી હતી જે તેઓ હાર્યા હતા. 2009માં તેમણે બેઠક બદલી અને ધોરાજીથી કૉંગ્રેસના ધારાસભ્ય બન્યા. 2012માં તેઓ જેતપુરથી ફરી ધારાસભ્ય બન્યા. ત્યારબાદ તેઓ કૉંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં આવી ગયા અને 2013માં જેતપુરમાં થયેલી પેટાચૂંટણીમાં તેઓ ભાજપના ધારાસભ્ય બન્યા.
તાજેતરમાં જ યોજાયેલી ઈફ્કોની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઈને ફોર્મ ભર્યુ હતું અને જંગી જીત મેળવી હતી.