Rajkot GameZone Fire : રાજકોટ અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોએ જીવ ગૂમાવ્યા હતા. આ અગ્નિકાંડ મામલે સરકાર દ્વારા તપાસ આદરવામાં આવી છે. અગ્નિકાંડમાં ન્યાયની માંગ સાથે 25મી જૂને રાજકોટ બંધનું એલાનની જાહેરાત કોંગ્રેસ તરફથી કરવામાં આવી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ વેપારીઓને બંધ પાળવા અપીલ કરી હતી. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, લાલજી દેસાઇ, પીડિત પરિવારોને સાથે રાખીને ગુંદાવાડી વિસ્તારમાં અપીલ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન જીગ્નેશ મેવાણીએ રાજ્યની ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા.
ભાજપના મોટા નેતાઓને બચાવી રહી છે સરકાર – જીગ્નેશ મેવાણી
જીગ્નેશ મેવાણીએ કહ્યું કે સરકાર સાગઠિયા જેવી માછલીને પકડીને સરકાર મગરમચ્છોને બચાવી રહી છે. આખી ઘટનાનું ઠીકરૂ સાગઠિયા પર ફોડીને સરકાર ભાજપના મોટા નેતાઓને બચાવી રહી છે. જીગ્નેશ મેવાણીએ ભાજપના એક પૂર્વ ધારાસભ્યએ જેલમાં સાગઠિયાનો સંપર્ક કરીને ફોડવાની કોશિશ કરી હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો છે.
SITએ રાજકોટ અગ્નિકાંડનો રિપોર્ટ સરકારને સોંપ્યો નથી, અધુરી કામગીરીના લીધે વિલંબ
રાજકોટના અગ્નિકાંડની ઘટનામાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રચાયેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ-SITનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો નથી, પરંતુ ટૂંક સમયમાં કાર્યવાહી પૂર્ણ કરીને ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવને આપવામાં આવશે.
ગૃહ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે સીટની કાર્યવાહીમાં હાલ નિવેદનો નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે અને તે પૂર્ણ થવામાં છે. ગઈરાત્રીના બે વાગ્યા સુધી નિવેદનો નોંધાયા છે. આ રિપોર્ટના આધારે દુખદ ઘટનામાં વધુ અધિકારી અને કર્મચારીઓનું સસ્પેન્શન તોળાઈ રહ્યું છે. SITના વડા સિનિયર પોલીસ અધિકારી સુભાષ ત્રિવેદી એક બે દિવસમાં સીટના રિપોર્ટ અંગે સત્તાવાર નિવેદન આપશે.
રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ગઇકાલે SITનો રિપોર્ટ 20ની જૂને સોંપી દેવામાં આવશે પરંતુ તેમાં કામગીરી હજુ અધુરી હોવાથી વિલંબ થયો છે. આજે પણ દિવસ દરમિયાન નિવેદનો નોંધવાની પ્રક્રિયા ચાલી હતી. ચોથી જુલાઇએ સરકારની ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના રિપોર્ટની સાથે SITનો રિપોર્ટ ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવશે.