‘મારો દીકરો પાછો લાવી દો,’ સ્કૂલમાં પફ ખાધા પછી પ્રિન્સનો જતો રહ્યો જીવ! ધ્રુસકે-ધ્રુસકે રડી રહ્યા છે માતા-પિતા

By: Nation Gujarat Team
14 Aug, 2026
‘મારો દીકરો પાછો લાવી દો…મારો દીકરો પાછો લાવી દો’ એકના એક દીકરાના મોત બાદ માતા નિર્મલાબેન ધ્રુસકે-ધ્રુસકે રડી રહ્યા છે. તેમની આંખોમાંથી આંસુ અટકવાનું નામ જ નથી લઈ રહ્યા. બીજી તરફ પિતા અમિતભાઈના મનમાં એક એવો સવાલ છે, જેનો જવાબ કદાચ તપાસ પૂરી થયા બાદ જ મળશે – જો પ્રિન્સને સમયસર હોસ્પિટલમાં પહોંચાડી દેવામાં આવ્યો હોત, તો શું તેનો જીવ બચી જાત?
પ્રિન્સ નિર્મલાબેન અને અમિતભાઈનો એકનો એક દીકરો હતો. ધોરણ 12માં અભ્યાસ કરતો 17 વર્ષનો પ્રિન્સ બુધવારે સવારે દરરોજની જેમ સ્કૂલે ગયો હતો. કોઈને એવો અંદાજ પણ નહોતો કે થોડી કલાકો બાદ સ્કૂલેથી આવનારા એક ફોનથી તેમના ઘરમાં માતમ છવાઈ જશે. જયપુરના ઝોટવાડા ખાતે આવેલી મહારાણા પ્રતાપ સ્કૂલમાં રિસેસ દરમિયાન પફ (રાજસ્થાનમાં પેટીસ કહેવાય છે) ખાધા પછી પ્રિન્સની તબિયત અચાનક બગડી હતી. તે બેભાન થઈને પડી ગયો હતો. તેને સ્કૂલના એક ક્લાસમાં લઈ જવામાં આવ્યો હતો.
આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ પ્રિન્સને ક્લાસમાં લઈ જતા દેખાઈ રહ્યા છે, તો કેટલાક રજિસ્ટરથી પવન નાખતા પણ દેખાઈ રહ્યા છે. ત્યારબાદ પ્રિન્સને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. હવે આ આખા મામલામાં પફ, વિદ્યાર્થીની અચાનક બગડેલી તબિયત, સ્કૂલમાં મળેલી પ્રાથમિક મદદ, હોસ્પિટલ પહોંચાડવામાં કથિત વિલંબ અને CCTV ફૂટેજ – બધું જ તપાસના કેન્દ્રમાં છે.
પ્રિન્સ ઘરેથી નીકળતી વખતે એદદમ સ્વસ્થ હતો. માતા નિર્મલાબેન સોનીના જણાવ્યા અનુસાર, પ્રિન્સ રોજની જેમ સવારે ઊઠ્યો અને સ્કૂલ જવાની તૈયારી કરી. દૂધ સાથે નાસ્તો કર્યા પછી આશરે 7:30 વાગ્યે તે સ્કૂલે જવા નીકળ્યો. નિર્મલા સોનીના જણાવ્યા અનુસાર, પ્રિન્સ સ્કૂલે જતાં પહેલાં ઘરે ખાઈને જતો હતો અને સામાન્ય રીતે ટિફિન લઈ જતો નહોતો. થોડા કલાકો પછી સ્કૂલમાંથી ફોન આવ્યો. ફોન પર જણાવવામાં આવ્યું કે પ્રિન્સની તબિયત ખરાબ થઈ ગઈ છે. ત્યારબાદ જે થયું, તેણે પરિવારને હંમેશ માટે તોડી નાખ્યો.
લગભગ 11 વાગ્યે લંચ બ્રેક પડ્યો હતો. જેથી પ્રિન્સ તેના મિત્ર યશ શર્માની પાસે પહોંચ્યો હતો. બંનેએ સ્કૂલની કેન્ટીનમાંથી પફ ખરીદ્યો. યશના જણાવ્યા અનુસાર, પ્રિન્સે લગભગ અડધો પફ ખાધો. પછી તે પાણી પીવા ચાલ્યો ગયો. થોડી જ વારમાં તેની હાલત બગડવા લાગી. યશના જણાવ્યા અનુસાર, પફ ખાધા પછી પ્રિન્સ બેભાન થઈ ગયો. યશનો દાવો છે કે, પફમાંથી વાસ આવી રહી હતી અને પફ ખાધા પછી જ પ્રિન્સની તબિયત બગડી. પરિવારજનો પણ પફ પર સવાલ ઉઠાવી રહ્યા છે.
પરિવારનો આરોપ છે કે જ્યારે પ્રિન્સ બેભાન થઈ ગયો હતો, ત્યારે તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવો જોઈતો હતો. તેમનો દાવો છે કે સ્કૂલથી થોડા જ અંતરે હોસ્પિટલ આવેલી છે, પરંતુ તેને તાત્કાલિક ત્યાં લઈ જવામાં આવ્યો નહોતો. હાલમાં પોલીસે CCTV ફૂટેજ જપ્ત કરીને તપાસ શરૂ કરી છે.
પ્રિન્સના પિતા અમિતભાઈ સોનીએ જણાવ્યું કે, સવારે લગભગ 11.14 વાગ્યે સ્કૂલમાંથી પહેલો ફોન આવ્યો, જેમાં કહેવામાં આવ્યું કે પ્રિન્સની તબિયત બગડી છે. જે બાદ સ્કૂલમાંથી અનેક ફોન આવ્યા. અમિતભાઈ સોનીએ કહ્યું કે, છેલ્લો ફોન આવ્યો, જેમાં કહેવામાં આવ્યું કે પ્રિન્સ બેભાન થઈ ગયો છે. તેઓ તાત્કાલિક કાર લઈને સ્કૂલે પહોંચ્યા.
જ્યારે સ્કૂલમાંથી પહેલો ફોન આવ્યો, ત્યારે અમિતભાઈ દુકાન પર હતા. જ્યાંથી સ્કૂલ ઘણી દૂર આવેલી છે. તેમણે તરત જ પત્ની અને એક મિત્રને આ અંગે જાણ કરીને સ્કૂલે મોકલ્યા. પરિવારનો આરોપ છે કે જ્યાં સુધી અમે સ્કૂલે ન પહોંચ્યા, ત્યાં સુધી પ્રિન્સને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો નહોતો. સ્કૂલે પહોંચ્યા બાદ તેઓ તાત્કાલિક પ્રિન્સને હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ મામલામાં સંયુક્ત અભિભાવક સંઘના પ્રવક્તા અભિષેક જૈને કહ્યું કે, આ કેસમાં સ્કૂલ કેન્ટીનની ભૂમિકાની ગંભીરતાથી તપાસ થવી જોઈએ. તેમણે માંગ કરી કે સ્કૂલમાં કેન્ટીન ચલાવવાની પરવાનગી, ફૂડ લાયસન્સ, ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને ખાદ્ય સુરક્ષા માનકોની તપાસ કરવામાં આવે. જ્યારે ડીસીપી પ્રશાંત કિરણે જણાવ્યું કે, ઝોટવાડાના મહારાણા પ્રતાપ સ્કૂલમાં વિદ્યાર્થી પ્રિન્સ સોનીના શંકાસ્પદ હાલતમાં મોતનો મામલો સામે આવ્યો છે. તેમણે કહ્યું કે પરિજનોએ સ્કૂલ વહીવટી તંત્ર પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે, જેના આધારે કેસ નોંધી લેવામાં આવ્યો છે. પોલીસે સ્કૂલમાંથી CCTV ફૂટેજ જપ્ત કરીને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પરિજનોનો આરોપ છે કે સ્કૂલ કેન્ટીનમાં પ્રિન્સે પફ ખાધો હતો, જે પછી તેની તબિયત બગડી અને તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ. જો કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ મોતનું અસલી કારણ સ્પષ્ટ થઈ શકશે.

Related Posts

Load more