માત્ર 5 હજારની ઉઘરાણીમાં પરિણીતાને જીવતી સળગાવી, સારવાર દરમિયાન કરૂણ મોત

By: Nation Gujarat Team
14 Jul, 2026

Patan News: પાટણમાં વ્યાજખોરોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે, જેમાં માત્ર 5 હજાર રૂપિયાની ઉઘરાણી માટે એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. ઘરખર્ચ માટે વ્યાજે નાણાં લેનાર ૩૫ વર્ષિય પિંકી પટણીએ જ્યારે નાણાં ચૂકવવા માટે થોડી મુદ્દત માંગી, ત્યારે વ્યાજખોર બાબુ રાવળ માનવતા ભૂલીને હિંસક બની ગયો હતો. તેમણે મહિલાને જીવતી સળગાવી દેતા તે ગંભીર રીતે દાઝી ગઈ હતી અને સારવાર દરમિયાન તેનું કરુણ મૃત્યુ નિપજ્યું છે. આ ઘટનામાં આરોપી પોતે પણ 40 ટકા દાઝી ગયો હતો. હાલ પાટણ પોલીસે આરોપી સામે હત્યાનો ગંભીર ગુનો નોંધીને આ મામલે સઘન તપાસ હાથ ધરી છે.

આરોપી બાબુભાઈ રાવળ પાસેથી વ્યાજે લીધા હતા રૂપિયા
મૃતક મહિલા પિંકીબેન પટણી (ઉંમર 35 વર્ષ) એ ઘરખર્ચ માટે આરોપી બાબુભાઈ રાવળ પાસેથી વ્યાજે નાણાં લીધા હતા. આ રકમની ઉઘરાણી બાબતે આરોપી અવારનવાર દબાણ કરતો હતો. ઘટનાના દિવસે જ્યારે આરોપી નાણાં લેવા માટે આવ્યો ત્યારે પિંકીબેને નાણાં ચૂકવવા માટે થોડી મુદત (સમય) માંગી હતી. આ નાની બાબતે ઉશ્કેરાયેલા આરોપી બાબુ રાવળે ક્રૂરતાની તમામ હદો વટાવી પિંકીબેન પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ લગાવી દીધી હતી.

આરોપી બાબુભાઈ રાવળ પણ દાઝી ગયા!
આ ભીષણ ઘટનામાં આરોપી બાબુભાઈ રાવળ પોતે પણ આશરે 40 ટકા જેટલો દાઝી ગયો હોવાનું સામે આવ્યું છે. ગંભીર રીતે દાઝેલી પિંકીબેનને તાત્કાલિક ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના અધિકારીઓ દ્વારા તેમનું ‘ડાઇંગ ડિકલેરેશન’ (મૃત્યુ પહેલાનું નિવેદન) લેવામાં આવ્યું હતું. સારવાર દરમિયાન પિંકીબેનનું મોત થતાં, પાટણ પોલીસે આ મામલે હત્યાની કલમનો ઉમેરો કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

હાલ પોલીસ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી આરોપી સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા માટે તજવીજ હાથ ધરી રહી છે.


Related Posts

Load more