Manjalpur By-Election In Vadodara: ચૂંટણી પંચ દ્વારા વડોદરાની ખાલી પડેલી માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આગામી 30મી જુલાઈના રોજ આ બેઠક માટે મતદાન યોજાશે, જ્યારે ત્રીજી ઓગસ્ટે મતગણતરી હાથ ધરી પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીની તારીખોની જાહેરાત થતાંની સાથે જ વડોદરા શહેર અને માંજલપુર વિસ્તારમાં તત્કાલ પ્રભાવથી આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે.
આવું રહેશે પેટાચૂંટણીનું શિડ્યુલ
ચૂંટણી પંચના જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર 14મી જુલાઈએ ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે, જ્યારે 16મી જુલાઈ ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ રહેશે. ત્યારબાદ ઉમેદવારોનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે અને ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થશે.
નોંધનીય છે કે, માંજલપુર વિધાનસભા બેઠક લાંબા સમયથી ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ બેઠકના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલના દુઃખદ અવસાન બાદ બેઠક ખાલી પડી હતી. હવે આ બેઠક માટે પેટાચૂંટણી યોજાવાની હોવાથી શહેરનું રાજકીય વાતાવરણ ફરી એકવાર ગરમાયું છે.
ભાજપમાં ટિકિટ માટે લોબિંગ તેજ
ચૂંટણીની જાહેરાત સાથે જ ભાજપમાં ઉમેદવારી મેળવવા માટે સ્થાનિક નેતાઓએ લોબિંગ તેજ કર્યું છે. બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ મજબૂત ઉમેદવાર મેદાનમાં ઉતારી ભાજપને કાંટાની ટક્કર આપવા માટે વ્યૂહરચના ઘડી રહી છે. ઉમેદવારોના નામ જાહેર થયા બાદ માંજલપુરમાં પ્રચાર અભિયાન પૂરજોશમાં શરૂ થશે અને આગામી દિવસોમાં ચૂંટણીનો માહોલ વધુ ગરમાવાની શક્યતા છે.