મા કાર્ડથી રૂપિયા સરકાવા ખ્યાતિ હોસ્પિટલે દર્દીઓના જીવ લીધા, હજી કેટલી હશે આવી હોસ્પિટલ ?

By: nationgujarat
12 Nov, 2024

Ahmedabad News: અમદાવાદથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં કડી પંથકના બે દર્દીઓનો મોત નિપજ્યા છે. પરિવારજનોનો આરોપ છે કે, તબીબોએ ખોટી રીતે દર્દીને દાખલ કરી ઓપરેશન કર્યું હતું. પરિવારજનોને પૂછ્યા વિના જ દર્દીને સ્ટેન્ટ મૂકી દાધાં. જેના કારણે દર્દીનું મોત નિપજ્યું છે. આવી કેટલી પ્રાઇવેટ હોસ્પિટલ હશે જે દર્દીઓના ભોગે રૂપિયા ભેગા કરવા કાવતરા કરતી હશે. ખરેખર સ્વાસ્થ્ય અંગે સરકાર કડક કાયદા લાવવા જ જોઇએ નિર્દોષ દર્દીઓ જીવ જાય ત્યારે આવી લે ભાગુ હોસ્પિટલ ના સંચાલકો અને ડોકટરોને સજા થવી જોઇએ.

શું હતી સમગ્ર ઘટના?

કડીમાં ફ્રી કેમ્પ હોસ્પિટલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવવામાં આવ્યા હતાં. જ્યાં તમામ દર્દીની જાણ વિના એન્જોપ્લાસ્ટી કરવામાં આવી સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતાં. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગીરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યું છે. આ સિવાય અન્ય પાંચ દર્દીઓ ગંભીર હાલતમાં છે.

આરોગ્ય મંત્રીએ આપ્યા તપાસના આદેશ

આ વિશે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ X પર પોસ્ટ કરી તપાસના આદેશ આપ્યા છે. ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું, ‘અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં બનેલી ઘટના ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ છે. PMJAY-મા યોજના હેઠળના રાજ્ય એન્ટિ-ફ્રોડ યુનિટ (SAFU)ને  સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.’

વધુમાં આરોગ્ય મંત્રીએ કહ્યું, આ તપાસમાં તબીબી બેદરકારી જણાશે તો હોસ્પિટલ અને તબીબો સામે ગુનો નોંધીને ધરપકડ કરી જરુરી પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે.’

આરોગ્ય વિભાગના અધિકારી પહોંચ્યા હોસ્પિટલ

હાલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડૉ. ભાવિન સોલંકી ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા છે. જ્યાં ગઈકાલ સાંજથી જ કોઈ જવાબદાર ડૉક્ટર હાજર નથી. હોસ્પિટલના ડિરેક્ટર અને ચેરમેન સહિતના લોકો પણ ગેરહાજર છે. માત્ર એક જ ડૉક્ટર ICU માં હાજર છે.

બીજીવાર આચર્યું કૌભાંડ?

નોંધનીય છે કે, ખ્યાતિ હોસ્પિટલમાં આવું કૌભાંડ બહાર આવવું તે પહેલીવાર નથી બન્યું. વર્ષ 2022માં પણ આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. બે વર્ષ પહેલાં સાણંદના તેલાવ ગામમાં હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે પણ આ પ્રકારે દર્દીઓને હોસ્પિટલ બોલાવી સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતાં. તે વખતે પણ ત્રણ દર્દીઓના સારવાર દરમિયાન મોત થયાં હતાં. જેમાં દર્દીના પરિવારજનોએ આવો જ આરોપ મૂકી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. જોકે, તે વિશે કંઈ નક્કર માહિતી સામે આવી દર્દીઓને ન્યાય મળે તે પહેલાં જ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફરી કેમ્પ યોજી આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું. હાલ આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યાં છે અને દર્દીઓને ન્યાય અપાવવાનું આશ્વાસન પણ આપ્યું છે. જોકે, સત્ય હકીકત શું છે અને દર્દીના મોતનું કારણ તો તપાસ બાદ જ સામે આવશે.


Related Posts

Load more