નકલી જજ અને કોર્ટ ઉભી કરી અબજો રૂપિયાની કિંમતની સરકારી જમીનો ખાનગી વ્યકિતઓને પધરાવી દેવાના કૌભાંડમાં પકડાયેલા નકલી જજ મોરિસ સેમ્યુલ ક્રિશ્વિયનને કારંજ પોલીસે ગત રોજ ઘી કાંટા ફોજદારી કોર્ટમાં રજૂ કર્યો હતો.
પોલીસે જ્યારે આરોપી મોરીસ સેમ્યુઅલ ક્રિશ્વિયનને કોર્ટમાં રજૂ કર્યો ત્યારે પણ આરોપી એવી જજ તરીકેની પોતાની ડંફાશ મારવામાંથી બહાર નહોતો આવ્યો. તેણે કોર્ટમાં જણાવ્યું કે, મને આરોપી તરીકે ના સંબોધો. હું હજુ પણ આર્બીટ્રેટર જજ છું. મારી પાસે ડિગ્રી છે. પોતાની પાસે કોઇ જ કાયદેસર સનદ નહી હોવાછતાં મોરીસે પોતાનો જજ અને વકીલ હોવાનો દાવો હજુય ચાલુ રાખ્યો હતો.
મોરીસ ક્રિશ્વિયને કોર્ટ સમક્ષ ફરિયાદ કરી હતી કે, પોલીસે તેને લાફા મારી ગુનો કબૂલ કરવા બળજબરી કરી હતી. જેમાં એના નંબરના ચશ્મા પણ તૂટી ગયા હતા. પોલીસે તેને પાંસળીના ભાગે લાતો મારી અને જાંઘ પર પટ્ટા વડે માર માર્યો છે, તેની સારવાર કરાવવી જોઇએ. જો કે, તે તપાસમાં સહકાર આપવા તૈયાર છે. તેની રજૂઆત બાદ કોર્ટે મેડિકલ રિપોર્ટ મંગાવતો હુકમ કર્યો હતો.
નકલી જજ મોરીસ ક્રિશ્વિયને તા.5 જાન્યુઆરી 20215માં ગાંધીનગરના પ્રિન્સિપાલ જજના નામનો બોગસ પરિપત્ર બનાવ્યો હતો. જેમાં સિવિલ પ્રોસીઝર કોડની કલમ 89 મુજબ દરેક કોર્ટ સિવિલ દાવાઓમાં સમાધાનની પ્રક્રિયા માટે મોરીસને આર્બીટ્રેશન કાઉન્સીલર તથા મીડિએશન એક્સપર્ટ તરીકે નિમણૂંક કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરાયો હતો. ઉપરાંત તે પરિપત્રની નકલ ગાંધીનગર જિલ્લાની તમામ કોર્ટમાં મોકલી આપવામાં આવ્યો હતો.
અગાઉ વર્ષ 2006માં શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોરીસ સેમ્યુઅલ ક્રિશ્વિયનની ધરપકડ કરાઇ હતી. બનાવટી વિઝા પ્રકરણમાં મોરીસની આકરી પૂછપરછ અને તપાસ દરમ્યાન તેની પાસેથી 9 જેટલા બોગસ પાસપોર્ટ અને બનાવટી વિઝા કાંડ જોઇ ખુદ ક્રાઇમબ્રાન્ચના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.