મણિપુર હિંસા પર ગુરુવારે પણ સંસદના બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. લોકસભા શરૂ થતાં જ વિપક્ષે સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. જેના કારણે માત્ર 6 મિનિટ પછી જ સ્પીકર ઓમ બિરલાએ કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.
બીજી તરફ વિપક્ષના સાંસદો પ્લેકાર્ડ લઈને રાજ્યસભામાં પહોંચ્યા હતા અને વડાપ્રધાન ગૃહમાં આવો, ગૃહમાં આવીને કંઈક તો બોલો, વડાપ્રધાન મૌન તોડો… જેવા નારા લગાવ્યા હતા. આ જોઈને એનડીએના સાંસદોએ મોદી…મોદી…ના નારા લગાવવાનું શરૂ કર્યું, તો વિપક્ષે INDIA… INDIAના નારા લગાવ્યા હતા.
સંસદમાં ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ છે. વિપક્ષ આજે ફરી એકવાર મણિપુર હિંસાનો મુદ્દો ઉઠાવ્યો. વિપક્ષે માંગ કરી છે કે આ મુદ્દે ગૃહમંત્રી અમિત શાહે નહીં પણ ગૃહમાં વડાપ્રધાને નિવેદન આપવું જોઈએ.
વિપક્ષના સાંસદો કાળા કપડા પહેરીને બેઠકમાં પહોંચ્યા
સંસદના ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ છે. સંસદના બંને ગૃહોમાં મણિપુર હિંસા પર સરકાર અને વિપક્ષ વચ્ચે મડાગાંઠ ચાલી રહી છે. આ દરમિયાન વિપક્ષ ગઠબંધન ‘INDIA’એ ગુરુવારે બેઠક બોલાવી હતી. વિપક્ષના સાંસદો કાળા કપડાં પહેરીને બેઠકમાં પહોંચ્યા હતા. વિપક્ષી સાંસદોએ મણિપુર પર ચર્ચા કરવાની મંજૂરી ન આપવા અને અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ ન કરવા બદલ કેન્દ્ર સરકારના વિરોધમાં કાળા કપડાં પહેર્યા છે.
આ બેઠક વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની ચેમ્બરમાં મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બેઠકમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર વિપક્ષે પોતાની રણનીતિ બનાવી છે. વિપક્ષ સરકાર પાસે અવિશ્વાસ પ્રસ્તાવ પર તાત્કાલિક ચર્ચાની માંગ કરશે.