Mayank Agarwal Health Update: ક્રિકેટ જગતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય ક્રિકેટર મયંક અગ્રવાલ વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું છે. તેનાથી તેનો જીવ પણ જોખમમાં મુકાઇ શક્યો હોત. જોકે આ મામલે મયંક અગ્રવાલના મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મંગળવારે, કર્ણાટકનો કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલ નવી દિલ્હી માટે ઉડાણ ભરવા પ્લેનમાં બેઠો હતો કે અચાનક તેની તબિયત ખરાબ થતા તેને અગરતલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું. મયંકે કેટલાક કાવતરાનો આરોપ લગાવતા પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
અહેવાલો અનુસાર, મયંકે એક પાઉચમાંથી પાણી હોવાનું સમજીને તેને પીધું હતું. આ પાઉચ ઈન્ડિગો એરલાઈનની ફ્લાઈટમાં તેની સીટ પર રાખવામાં આવ્યું હતું. તે પીધા પછી તેની તબિયત અચાનક ખરાબ થઇ હતી. તેના ગળામાં બળતરા થવા લાગી અને તેને ઉલટી પણ થઇ હતી. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની હાલત હવે સ્થિર છે અને તે ખતરાની બહાર છે. મયંકે તેના મેનેજર મારફત પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પશ્ચિમ ત્રિપુરાના પોલીસ અધિક્ષક કિરણ કુમારે સમાચાર એજન્સી પીટીઆઈ-ભાષાને જણાવ્યું હતું કે, મયંક અગ્રવાલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડી છે. હવે તેની હાલત સ્થિર છે પરંતુ તેના મેનેજરે આ મામલે તપાસ કરવા NCCPS (ન્યુ કેપિટલ કોમ્પ્લેક્સ પોલીસ સ્ટેશન)માં ફરિયાદ નોંધાવી છે. તેના મેનેજરે કહ્યું હતું કે જ્યારે તે પ્લેનમાં બેસી રહ્યો હતો ત્યારે તેની સામે એક પાઉચ રાખવામાં આવ્યું હતું. તેણે તેમાંથી થોડું પીધું, પરંતુ અચાનક તેનું મોં બળવા લાગ્યું અને તે બોલી શક્યો નહીં અને તેને ILS હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જો કે હાલમાં તેમની હાલત સ્થિર છે.