ભાજપમા રાજીનામાનો દોર – હરિયાણામાં ઉમેદવારો જાહેર થતાં બળવાની આગ: 72 અગ્રણીઓના રાજીનામા

By: nationgujarat
07 Sep, 2024

ચંદીગઢ, તા.7
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની યાદી જાહેર થતાં જ કોંગ્રેસ અને ભાજપમાં બળવાની આગ લાગી ગઇ છે. ભાજપમાં અત્યાર સુધીમાં 72 નેતાઓએ રાજીનામા આપી દીધા છે અને અપક્ષ લડવા અથવા તો પક્ષને પરાજીત કરવા માટે જાહેરાત કરી છે તો કોંગ્રેસમાં પણ જબરી હિલચાલ છે. અને અહીં પણ ધડાધડ રાજીનામા પડવા લાગ્યા છે.

બીજી તરફ ભાજપે એવી જાહેરાત કરી છે કે જે યાદી જાહેર થઇ છે તેમાં કોઇને પણ બદલવામાં આવશે નહીં પરંતુ જેઓએ બળવો કર્યો છે તેમાં અનેકને દિલ્હી બોલાવવાનો પ્રારંભ થયો છે અને પૂર્વ મંત્રી કર્ણદેવ કામ્બોજ ઉપરાંત સાવિત્રી જીંદલને દિલ્હી બોલાવાયા છે અને તેમને મનાવવાની કોશિષ ચાલુ છે.

મુખ્યમંત્રી નાયબસિંહ સેનીએ રોતકમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જાહેર થયેલા એક પણ ઉમેદવારોને બદલવામાં આવશે નહીં અને જેઓને નારાજગી છે તેઓને વિશ્વાસમાં લઇને આગળ વધારાશે. બીજી તરફ કોંગ્રેસમાં પણ વિરોધ શરુ થયો છે અને હરિયાણામાં કોંગ્રેસના વડા મથક પર પહોંચેલા પ્રભારી દિપક બાબરીયાની ગાડીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો.

લગભગ 15 મીનીટ સુધી ગાડીમાંથી ઉતારવા દેવામાં આવ્યા ન હતા અને રાષ્ટ્રીય પ્રમુખને લખેલા એક પત્રમાં પક્ષે ભ્રષ્ટાચારીઓને ટીકીટ આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તેમજ જો ઉમેદવાર નહીં બદલાય તો પક્ષને ચૂંટણીમાં સહન કરવું પડશે તેવી ચિમકી અપાઇ હતી.


Related Posts

Load more