ભાજપનું કાલે કોલકાત્તા બંધનું એલાન, અનેક પ્રદર્શનકારીઓની ધરપકડ

By: nationgujarat
27 Aug, 2024

કોલકાત્તાની આર. જી. કાર મેડિકલ કૉલેજમાં ટ્રેઇની ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાના કેસના વિરોધમાં આજે (27 ઑગસ્ટે) હાવડામાં ભારે વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે આ દરમિયાન દેખાવકારોની ‘નબન્ના માર્ચ’માં ભાગ લેનારાઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો છે. નબન્નનું રાજ્ય સચિવાલય હાવડાના મંદિરતાલામાં આવેલું છે અને પશ્ચિમ બંગાળ સરકાર અહીંથી ચાલે છે. દેખાવો દરમિયાન સમગ્ર હાવડામાં વાતાવરણ તંગ બન્યું છે. પોલીસે દેખાવકારોને નબન્ના જતાં રોકવા માટે બેરિકેડ લગાવ્યા હતા, પરંતુ દેખાવકારોએ બેરિકેડ તોડી નાખ્યા છે. આ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો છે અને ટીયર ગેસના શેલ પણ છોડ્યા છે. પોલીસ વોટર કેનનનો પણ ઉપયોગ કરી રહી છે. આ દરમિયાન ઘણા પ્રદર્શનકારીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

પ્રદર્શનકારીઓ પોલીસ દ્વારા ઊભી કરાયેલ સુરક્ષા દીવાલ પર કૂદી પડ્યા બાદ હાવડા બ્રિજ પર અવ્યવસ્થા સર્જાઈ છે, આ દરમિયાન પોલીસે લાઠી ચાર્જ કર્યા બાદ દેખાવકારોએ પણ પથ્થરમારો કર્યો છે, જેમાં કેટલાક પોલીસ કર્મચારીઓને ઈજા થઈ છે. આ ઉપરાંત રેપિડ એક્શન ફોર્સના જવાનને પણ ઈજા થઈ છે, જેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ દેખાવકારોને રેલી યોજવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

હાવડામાં પોલીસ અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ થયા બાદ તૃણમુલ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, રેલીમાં માહોલને અસ્ત-વ્યસ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દેખાવકારો મુખ્યમંત્રી મમતા બેનર્જીનું રાજીનામું અને આર જી કર મેડિકલ કૉલેજ કેસમાં ન્યાય માંગી રહ્યા છે. બીજી તરફ મધ્ય કોલકાત્તામાં કૉલેજ સ્કાયરમાં યોજાઈ રહેલી મુખ્ય રેલી શાંતિપૂર્ણ જોવા મળી રહી છે. હજુ સુધી આ સ્થળે કોઈપણ પ્રકારની અડચણો કે અનિચ્છનીય ઘટના જોવા મળી નથી.

19 પોઇન્ટ પર લગાવાયા બેરિકેડ

નબન્ના માર્ચ માટે છ હજાર પોલીસ કર્મચારીઓને જ્યારે રાજ્ય સચિવાલયની સુરક્ષા માટે બે હજાર પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. કોઈપણ અનિચ્છનીય ઘટના બને તો તેને કાબુમાં લેવા માટે આ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જો કે પ્રદર્શનકારીઓ પણ ઘણા ગુસ્સામાં છે અને તેઓએ પોલીસ દ્વારા લગાવાયેલા બેરિકેડ પણ તોડી નાખ્યા છે. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો છે, જેમાં અનેક પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે.


Related Posts

Load more