ભાજપ દ્વારા ગરીબ લોકોને ડરાવી ધમકાવીને ભાજપના સભ્ય બનાવવામાં આવી રહ્યા છે: દિનેશ જોષી ‘આપ’

By: nationgujarat
20 Sep, 2024

આજે આમ આદમી પાર્ટીના રાજકોટ સંગઠન દ્વારા રાજકોટ જિલ્લાના કલેક્ટરને એક ગંભીર મુદ્દા પર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ મુદ્દા વિશે આમ આદમી પાર્ટીના રાજકોટ શહેર પ્રમુખ દિનેશભાઈ જોશીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા સામાન્ય માણસો પર દાદાગીરી અને ધાકધમકી આપીને તેમને ભાજપના સભ્યો બનાવવામાં આવે છે. ભાજપના લોકો પરપ્રાંતિય લોકો પાસે રાત્રે 10-11 વાગ્યે જાય છે અને તેમણે ધમકાવીને કહે છે કે જો તમારે વેપાર ધંધો કરવો હોય તો ભાજપના સભ્ય બનાવો. આજ રીતે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ શિક્ષકો અને બાકી સરકારી કર્મચારીઓને પણ ધમકાવે છે. આ લોકો શનિવારી-રવિવારીમાં વિજિલન્સ ખાતાના કર્મચારીઓ સાથે જાય છે અને ધાક ધમકીથી ગરીબ માણસોને સભ્ય બનાવે છે સાથે સાથે સ્કૂલો અને કોલેજોમાં પણ સદસ્યતા અભિયાન ચલાવી રહ્યા છે.

ભાજપના લોકોને ટાર્ગેટ આપવામાં આવ્યો છે અને આ ટાર્ગેટ પૂરો નથી થઈ રહ્યો માટે તેઓ રઘવાયા થયા છે અને જોર જબરદસ્તીથી અને ઘણા લોકોને 500-1000 રૂપિયા આપીને સદસ્ય બનાવી રહ્યા છે. સમગ્ર ગુજરાત સહિત રાજકોટમાં પણ આવી અનેક ઘટનાઓ જોવા મળી છે અને મીડિયામાં પણ આ ઘટનાઓનો ઉલ્લેખ જોવા મળ્યો. માટે આ મુદ્દા પર અમે આજે રાજકોટ શહેરના કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. અમે કલેક્ટર સમક્ષ માંગણી કરી છે કે સત્તા પક્ષ દ્વારા ગરીબ મજૂર લોકોને હેરાન કરવામાં ન આવે તેની ખાસ તકેદારી રાખવામાં આવે અને સરકારી કર્મચારીઓનો દૂર ઉપયોગ ના થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે.


Related Posts

Load more