બાળકોને કફ-એલર્જીની દવાઓ આપતા માતા-પિતા સાવધાન! કેન્દ્ર સરકારે જાહેર કરી ચેતવણી

By: Nation Gujarat Team
22 Aug, 2026

FDC Drug Ban India: કેન્દ્ર સરકારે નાના બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શરદી, ઉધરસ અને એલર્જીની સારવારમાં વપરાતી અમુક દવાઓ (ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશન – FDC) પર સરકારે કડક નિયમો લાગુ કર્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના નવા આદેશ મુજબ, Chlorpheniramine Maleate અને Phenylephrine Hydrochlorideના મિશ્રણથી બનતી દવાઓ હવે 4 વર્ષથી નાની ઉંમરના બાળકોને આપી શકાશે નહીં. આ પ્રકારની તમામ દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, દવા બનાવતી કંપનીઓ માટે તેમના પેકિંગ પર ‘4 વર્ષથી નાના બાળકો માટે ઉપયોગ કરવો નહીં’ તેવી સ્પષ્ટ વૈધાનિક ચેતવણી છાપવી ફરજિયાત બનાવવામાં આવી છે.

પેકિંગ પર લખવું પડશે: 4 વર્ષથી નાના બાળકો માટે ઉપયોગ કરવો નહીં

સરકારના આ નવા આદેશ મુજબ, દવા બનાવતી કંપનીઓએ પોતાના દરેક પેક, લેબલ, બોક્સમાં મૂકાતા માહિતીપત્રક (Package Insert) અને પ્રચાર સામગ્રી (Promotional Material) પર આ ચેતવણી સ્પષ્ટપણે છાપવી ફરજિયાત બનશે.

આ નિયમ એવા તમામ સિરપ, ડ્રોપ્સ કે અન્ય બનાવટો પર એકસમાન રીતે લાગુ થશે જેમાં Chlorpheniramine Maleate અને Phenylephrine Hydrochlorideનું મિશ્રણ હોય. અગાઉ આ પ્રતિબંધ અમુક જ દવાઓ સુધી મર્યાદિત હતો, પરંતુ હવે સરકારે આવી તમામ કોમ્બિનેશન (FDC) ધરાવતી દવાઓને આ નિયમ હેઠળ આવરી લીધી છે.

શા માટે લેવાયો આ નિર્ણય? નાના બાળકો માટે જોખમી છે આ કોમ્બિનેશન

આ દવાનું કોમ્બિનેશન સામાન્ય રીતે બંધ નાક, વહેતું નાક, છીંક આવવી, એલર્જી અને સામાન્ય ફ્લૂના લક્ષણોમાંથી તુરંત રાહત મેળવવા માટે વ્યાપકપણે આપવામાં આવતું હતું. જોકે, નિષ્ણાતોની કમિટી અને ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ (DTAB)એ પોતાની સમીક્ષામાં નોંધ્યું કે શિશુઓ અને 4 વર્ષથી નાની વયના બાળકોમાં આ દવાઓનો ઉપયોગ ગંભીર આડઅસરો અને સ્વાસ્થ્ય જોખમો ઊભા કરી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે આ વયજૂથના બાળકો માટે બજારમાં અન્ય સુરક્ષિત વિકલ્પો ઉપલબ્ધ છે, તેથી આ હાઇ-રિસ્ક કોમ્બિનેશનના અંધાધૂંધ વપરાશ પર રોક લગાવવી જરૂરી હતી.

સેક્શન 26A હેઠળ આદેશ જાહેર

કેન્દ્ર સરકારે આ સખત પગલું ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940ની કલમ 26A (Section 26A) હેઠળ મળેલા અધિકારોનો ઉપયોગ કરીને ઉઠાવ્યું છે. આ આદેશ સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત થવાની સાથે જ સમગ્ર દેશમાં તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયો છે. દવાની તમામ ઉત્પાદક કંપનીઓ, ડિસ્ટ્રીબ્યુટર્સ અને રિટેલરોને આ માર્ગદર્શિકાનું સખતપણે પાલન કરવા આદેશ આપવામાં આવ્યો છે, અન્યથા તેમની સામે ડ્રગ્સ એક્ટ હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.


Related Posts

Load more