દ્વારકાના શિવરાજપુર બીચ પર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી ઘણાં સમયથી બંધ છે. ત્યારે આ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીને લઈને દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક અધિકારીઓ પર બગડ્યા હતાં. પબુભાએ અધિકારીઓને ધમકી આપતાં કહ્યું કે, ’20 દિવસની અંદર નિયમ બનાવો નહીંતર મંજૂરી વગર જ એક્ટિવિટી ચાલું કરી દઈશું. પછી જેને જે કરવું હોય એ કરી લે અને મુખ્યમંત્રીને પણ રિપોર્ટ કરી દેજો કે ધારાસભ્ય આવું કહેતા હતાં’
ગુજરાતમાં છેલ્લા ઘણાં દિવસોથી વરસાદ વરસી રહ્યો હતો. જેના કારણે સુરક્ષાના ધોરણોને ધ્યાને લઈ તંત્ર દ્વારા ગુજરાતના અનેક બીચને બંધ કરવામાં આવ્યા હતાં. જે હેઠળ દ્વારકાના શિવરાજપુર બીચ પર થતી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ બંધ કરવામાં આવી હતી. જોકે, તેને ફરી શરૂ કરાવવાને લઈને ધારાસભ્ય પબુભા માણેકની અધ્યક્ષતામાં બેઠક કરવામાં આવી હતી. જેમાં પબુભા માણેકે અધિકારીઓનો ઉધડો લીધો હતો. પબુભા માણેકે ગુસ્સામાં ધમકાવ્યા કે અધિકારીઓને કહ્યું કે, ’20 દિવસની અંદર નિયમ બનાવો નહીંતર આંદોલન કરવામાં આવશે. જો 20 દિવસની અંદર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીને લઈને નિયમ નહીં બને તો મંજૂરી વિના જ પ્રવૃત્તિઓ ચાલુ કરી દઈશું.’
ધારાસભ્યે અધિકારીઓને ધમકાવતા કહ્યું કે, ’20 દિવસ સુધી સરકાર દ્વારા અમને જે કરવાનું કહેશે તે અમે કરીશું, પરંતુ 20 તારીખ સુધીમાં તમે નિયમ બનાવી દેજો, નહીંતર મંજૂરી વિના પ્રવૃત્તિ ચાલું કરી દઈશ. પછી તમે પોલીસનો કાફલો મોકલો કે, જે મોકલો. હું 42 ગામને અહીં ભેગા કરીને મુકી દઈશ. પછી જેને જે કરવું હોય તે કરી લે. મારો રિપોર્ટ પણ કરી દેજો મુખ્યમંત્રીને કે ધારાસભ્ય આવું કહેતા હતાં. આ કોઈ રીત થોડી છે તમારા લોકોની.’