બોલિવૂડના ‘હીરો નંબર-1’ ગોવિંદા હાલમાં તેમની આગામી ફિલ્મોના કારણે નહીં, પરંતુ પત્ની સુનિતા આહૂજા અને કથિત ગર્લફ્રેન્ડ કોમલ રાની વચ્ચે ચાલી રહેલા હાઈડ્રામાને કારણે સખત ચર્ચામાં છે. પત્ની સુનિતા અવારનવાર એક્સ્ટ્રા મેરિટલ અફેરના તીખા આરોપો લગાવી ચૂકી છે, તો બીજી તરફ અપકમિંગ ફિલ્મ ‘રૂપા’ની કો-સ્ટાર કોમલ રાની પણ દરેક જગ્યાએ ગોવિંદા સાથે જ નજરે પડી રહી છે. આ બળતામાં ઘી હોમતા કોમલે ઈન્સ્ટાગ્રામ પર સુનિતા સામે મોરચો માંડીને ગંભીર આરોપો ઘડી કાઢ્યા છે. આ તમામ વિવાદો વચ્ચે તાજેતરમાં એક ઈવેન્ટમાં પહોંચેલી ગોવિંદાની દીકરી ટીના આહૂજાને જ્યારે પેપરાઝીઓએ આ અફેર અંગે સીધો સવાલ પૂછ્યો, ત્યારે તે કંટાળીને કેમેરા સામે જ ઉશ્કેરાઈ ગઈ હતી.
ગોવિંદાના અફેરની ચર્ચાથી કંટાળી ટીના
ઈવેન્ટ દરમિયાન એક રિપોર્ટરે ટીનાને પૂછ્યું- ‘તમારા પરિવારમાં આજકાલ ઘણી બધી વાતો ચાલી રહી છે. કોમલ રાની પણ ઈન્સ્ટાગ્રામ પર તમારા મમ્મી-પપ્પા માટે કંઈક ને કંઈક લખી રહી છે.’ રિપોર્ટર પોતાનો સવાલ પૂરો કરે તે પહેલાં જ ટીનાનો પારો સાતમા આસમાને પહોંચી ગયો અને તેણે આ વિષય પર વાત કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો.
ટીનાએ કહ્યું- ‘અહીં ફક્ત આ જ વિષય(ઇવેન્ટ) પર વાત કરીએ… થેંક યુ.’ એટલું કહીને ટીના આહૂજા સવાલનો જવાબ આપ્યા વિના જ આગળ વધી ગઈ. આ દરમિયાન ભલે ટીનાના ચહેરા પર હાસ્ય હતું, પરંતુ જે રીતે તે જવાબ આપીને આગળ વધી, તેનાથી સ્પષ્ટ થાય છે કે તે આ અફવાઓ વિશે વાત કરવા માગતી નથી
વિવાદોમાં ગોવિંદાનું લગ્ન જીવન
ગોવિંદાના 40 વર્ષના લગ્નજીવન પર સંકટના વાદળો ઘેરાયા છે. ગોવિંદાનું નામ તેમની આગામી ફિલ્મ ‘રૂપા’ની કો-સ્ટાર કોમલ રાની સ્વર્ણકાર સાથે જોડાઈ રહ્યું છે. ખુદ સુનિતા પણ આ વાત કહી ચૂકી છે. હાલમાં જ ગોવિંદા લાલબાગચા રાજાના દર્શન માટે પણ કોમલ સાથે જ ગયા હતા, જેના વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતાં જ વાયરલ થવા લાગ્યા હતા. આ વીડિયો સામે આવ્યા બાદ આરોપોનો દોર પણ શરૂ થઈ ગયો. એવામાં કોમલે સ્પષ્ટતા કરી હતી કે ગોવિંદા સાથે તેની જે પણ અપીયરન્સ છે, તે ફક્ત પ્રોફેશનલ છે અને તેમની આગામી ફિલ્મ સાથે જોડાયેલી છે.
કોમલ રાનીએ સુનિતા આહૂજા પર કાઢી હતી ભડાશ
ગોવિંદા સાથે અફેરની અફવાઓ પર સતત થઈ રહેલા હોબાળા વચ્ચે કોમલ રાનીએ હાલમાં જ પોતાનું રિએક્શન આપ્યું હતું. તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક નોટ શેર કરીને ગોવિંદાની પત્ની સુનિતા આહૂજા પર સીધો હુમલો કર્યો હતો. કોમલે લખ્યું હતું, ‘જે સ્ત્રી વર્ષોથી પોતાના જ પતિને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરી રહી હોય, તેની બદદુઆઓ કોઈને નથી લાગતી. જે ઘર પહેલેથી જ તૂટેલું હોય, તેને બીજું કોઈ આવીને નથી તોડી શકતું.
સુનિતા પર લગાવ્યો ગોવિંદાને માનસિક ત્રાસ આપવાનો આરોપ
કોમલ અહીં જ ન અટકી અને તેણે આગળ લખ્યું, ‘એક માણસને માનસિક રીતે પ્રતાડિત કરવો, તેને કામ કરતા રોકવો, જબરદસ્તી ઘરમાં બેસાડીને બરબાદ કરવો, સૌથી અલગ-થલગ કરી દેવો અને મોતની કગાર પર ધકેલી દેવો, મને નથી લાગતું કે કોઈ પણ સમજદાર કે પતિવ્રતા પત્ની પોતાના પતિ સાથે આવું ઘટિયા વર્તન કરી શકે. શું આવી સ્ત્રીઓ માનસિક રીતે બીમાર હોય છે કે પછી હદથી વધુ ચાલાક, જે જાણે છે કે જે કામ તેઓ ચાર દીવાલ પાછળ નથી કરી શકી, તે જાહેર સભામાં લોકોની હમદર્દી મેળવીને કરી લેશે? પોતાના ફાયદા માટે મારું નામ વાપરવાનું બંધ કરો. ભગવાન દરેક ભલા માણસને આવી ચાલાક અને ખતરનાક સ્ત્રીઓથી બચાવે.’
સુનીતા આહુજાનું વર્ક ફ્રન્ટ
વર્ક ફ્રન્ટની વાત કરીએ, તો સુનીતા આહૂજા ટૂંક સમયમાં એક્ટિંગમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે ડિરેક્ટર સાજિદ ખાનની ફિલ્મથી એક્ટિંગની શરૂઆત કરશે. ફિલ્મમાં તેનો દીકરો યશવર્ધન આહૂજા, નિતાંશી ગોયલ અને જેમી લીવર પણ જોવા મળશે. આ ફિલ્મ 7 જાન્યુઆરી, 2027ના રોજ રિલીઝ થવાની છે.