ભાજપની જીતની હેટ્રિકની નાવડીને પાર કરવી હશે તો કોંગ્રેસના મદદ વગર તે શક્ય નથી તે સ્પષ્ટ દેખાઈ ગયું છે. વિધાનસભાની 182 બેઠકો હોય કે પછી લોકસભાની 26 બેઠકો જીતવાનું લક્ષ્યાંક હોય, ભાજપને જીતવા માટે કોંગ્રેસના સહરાની જરૂર છે. આંકડો બતાવે છે કે, એક તરફ ભાજપ ‘કોંગ્રેસ મુક્ત ભારત’ કરાવવા દોડ લગાવે છે, તો બીજી તરફ ‘કોંગ્રેસયુક્ત ભાજપ’ બનાવી રહી છે. ભાજપમાં પક્ષપલટુ નેતાઓની હારમાળા સર્જાઈ છે. આ વચ્ચે હવે લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી જીતવા માટે ભાજપને કોંગ્રેસના સહારની જરૂર પડે છે. કોંગ્રેસના ઉમેદવાર વગર ભાજપની જીત શક્ય નથી. એટલે જ ભાજપે લોકસભા પહેલા મોટાપાયે ભરતી મેળો ચાલુ રાખ્યો છે.
પક્ષપલટુઓ માટે ભાજપના કાર્યકર્તા-નેતાઓ પ્રચાર કરશે
ભાજપના કાર્યકર્તાઓનું નસીબ એવું વાંકુ છે કે, જૂના જોગીઓ ઘરે બેસશે, અને કાર્યકર્તાઓ આયાતી ઉમેદવારો માટે પ્રચાર કશે. ગુજરાતમાં લોકસભામાં બાજપના 27 ટકા જેટલા ઉમેદવારો મૂળ કોંગ્રેસ પરિવારના છે. જે બતાવે છે કે, લોકસભાની ચૂંટણીમાં ભાજપ વર્સિસ કોંગ્રેસનો જંગ નહિ, પરંતું કોંગ્રેસ વર્સિસ કોંગ્રેસનો જંગ થવાનો છે. લોકસભા પહેલા જ ભાજપ કોંગ્રેસયુક્ત
લોકસભા પહેલા ભાજપ કોંગ્રેસયુક્ત બની ગયું છે. ભાજપના 26 બેઠકો પર જાહેર કરાયેલા ઉમેદવારોમાંથી 27 ટકા ઉમેદવારો મૂળ કોંગ્રેસી છે. 26 માંથી 7 ઉમેદવારો નાતો કોંગ્રેસ સાથે છે. જેમાં શોભનાબેન બારૈયા, ચંદુભાઈ શિહોરા, પ્રભુ વસાવા, દેવુસિંહ ચૌહાણ, ભરત ડાભી, વિનોદ ચાવડા, પુનમ માડમ સામેલ છે. જેમના ભૂતકાળના છેડા કોંગ્રેસ સાથે અડે છે.
પેટાચૂંટણી પણ કોંગ્રેસીઓના સહારે લડશે ભાજપ
વિજાપુર,પોરબંદર, ખંભાત, માણાવદર અને વાઘોડિયા. ગુજરાતની આ પાંચ વિધાનસભાની સીટ પરની પેટા ચૂંટણીના ઉમેદવારો ભાજપે જાહેર કરી દીધા છે. ચહેરા એ જ છે. પાટલી બદલાઈ ગઈ છે. વિધાનસભાની પેટાચૂંટણીના તો તમામ ઉમેદવારો કોંગ્રેસી છે. જે બતાવે છે કે, ભાજપ વિધાનસભાની પેટાચૂંટણી પણ કોંગ્રેસના ઉમેદવારના સહારે લડશે.
ભાજપમાં કોંગ્રેસીઓને મળી રહેલા તકને કારણે અંદરોઅંદર વિરોધની જ્વાળા પ્રગટી છે. ભાજપના લોકોએ આ જાનમાં હવે અણવર બનીને આવવાનું છે – માંડવો એનો એ જ છે, વરરાજા બદલાઇ ગયા છે. આયાતી ઉમેદવારોને મલાઈ મળી રહી છે, અને ઘરના છોકરા ઘંટી ચાલે તેવો ઘાટ સર્જાયો છે.
મહેસાણા વિજાપુર ભાજપમાં ભડકો
સાબરકાંઠા બાદ હવે મહેસાણાના વિજાપુરમાં ભાજપમાં વિરોધ જોવા મળ્યો છે. વિજાપુરમાં પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે સીજે ચાવડાને ભાજપમાંથી ટીકીટ મળતા કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી છે. કુકરવાડાના પૂર્વ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખે રાજીનામુ આપ્યુ છે. કુકરવાડાના ગોવિંદભાઇ પટેલે વિજાપુર તાલુકા ભાજપ પ્રમુખને રાજીનામુ આપ્યું. પાર્ટીના કાર્યકર્તાઓને ટીકીટ ન આપતા અને કોંગ્રેસમાંથી આવેલાને ટીકીટ આપતા તેઓએ નારાજગી વ્યક્ત કરી. હજુ પણ રાજીનામાં પડે તેવી સંભાવના છે.