દક્ષિણ ગુજરાતમાં મેઘરાજેએ ફરી એકવાર ધમાકેદાર બેટિંગ કરી છે, ઉપરવાસ અને નવસારીમાં મુશળધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 9 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે, અને જિલ્લાની ત્રણ મોટી નદીઓ પણ ગાંડીતૂર બની છે. અંબિકા નદીમાં જળસ્તર વધતાં નદીના પાણી ધોલ ગામમાં ઘૂસ્યા છે, બિલીમોરાથી અમલસાડને જોડતો રૉડ પાણીમાં સંપૂર્ણ ધોવાઇ ગયો છે. જેના તાજા દ્રશ્યો પણ સામે આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 142 તાલુકાઓ મેઘો કહેર બનીને ત્રાટક્યો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં ખાબક્યો છે. ખેરગામ તાલુકામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે, તો ધરમપુર અને વલસાડ તાલુકામાં 7-7 ઈંચ વરસાદથી હાહાકાર મચી ગયો છે. તાજા અપડેટ પ્રમાણે, નવસારીની અંબિકા નદીમાં વરસાદના પાણીથી ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે, નદીની પાણી આજુબાજુના ગામોના ઘરોમાં અને ખેતરોમાં ફરી વળ્યા છે. બીલીમોરાથી અમલસાડના રૉડ પરનું ઘોલ ગામ હાલમાં સંપર્ક વિહોણું બન્યુ છે. અંબિકા નદીમાં ઘોડાપુરથી ઘોલ ગામ બેટમાં ફેરવાયું છે. નદીની બાજુમાંથી ગામમાં જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે. હાલની સ્થિતિ એવી છે કે, ગામમાં પ્રવેશવાના રસ્તા પર સાતથી નવ ફૂટ સુધીના પાણી ભરાયા છે. નદીકાંઠાની મોટાભાગની આંબાની વાડીઓમાં પાણી ફરી વળ્યા છે. પાણી ભરાતા લોકો જાતે જ સ્થળાંતરીત થવા મજબુર બન્યા છે. નદીના પૂરના પાણીથી લોકોના ઘરોમાં ઘૂસી જતાં ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે.
ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ હવામાન અંગે તાજું એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગ અનુસાર મધ્ય પ્રદેશના પશ્ચિમી ભાગ, રાજસ્થાનના પૂર્વી ભાગ, ગુજરાત, કોંકણ ક્ષેત્ર, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આઈએમડીના હવામાન વૈજ્ઞાનિક ડૉ. નરેશ કુમારનું કહેવું છે કે ચોમાસું તેના સક્રિય તબક્કામાં આવી ગયું છે. તેમણે મધ્ય પ્રદેશના પશ્ચિમી ભાગ, રાજસ્થાનના પૂર્વી ભાગ, ગુજરાત, કોંકણ ક્ષેત્ર, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં અત્યધિક વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે આગામી બે દિવસ દિલ્હીમાં વરસાદ નહીં થાય. તેમણે આગળ જણાવ્યું કે આવનારા દિવસોમાં કેરળ, કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારો અને તમિલનાડુમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત, આવનારા દિવસોમાં ઉત્તર પૂર્વ ભારતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમણે આગળ કહ્યું કે જ્યારે ચોમાસું તેની નજીકની સ્થિતિમાં આવશે ત્યારે દિલ્હીમાં હળવો વરસાד થઈ શકે છે.
ગુજરાતમાં 5 ઓગસ્ટે ભારે વરસાદ પડશે
હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં ભારે વરસાદનો દોર બીજા દિવસે સોમવારે પણ ચાલુ રહેશે. દક્ષિણ ગુજરાત રીજનના નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 5 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત રીજનના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપી જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.