ધર્મના નામે ચાલતી દુકાન બંધ થઇ જવા ભાજપને ભય લાગ્યો: શક્તિસિંહ

By: nationgujarat
03 Jul, 2024

અમદાવાદ, તા.3
લોકસભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘હિંદુ’ વિશે આપેલા નિવેદનનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. એવામાં ગઈકાલે અમદાવાદના પાલડી સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં કેટલાક લોકોએ તોડફોડ કરીને રાહુલ ગાંધીના પોસ્ટર પર કાળો કૂચડો મારી દીધો હતો. જે બાદ આજે સાંજે કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામ-સામે આવી જતાં વાતાવરણ તંગ બન્યું હતુ. આ સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે.

આ અંગે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, ગુજરાતના રાજકારણના સુવર્ણમય ઇતિહાસને ગભરાયેલી ભાજપે કલંકિત કર્યુ . રાહુલ ગાંધીએ હિંદુ ધર્મની ઉત્તમ પરંપરાની પ્રસંશા કરીને ધર્મની સાચી વ્યાખ્યા સંસદમાં સમજાવી. જેથી ભાજપ ગભરાઈ ગઈ કે, તેમની ધર્મના નામે ચાલતી દુકાન બંધ થઈ જશે. ગભરાયેલા ભાજપના લોકોએ કોંગ્રેસની ઓફિસ પર તોડફોડ કરવા માટે ટોળું મોકલીને ગુંડાગીરી કરતી પાર્ટીનું પ્રતિક રજૂ કર્યું છે.

ગુજરાતના રાજકારણનો એક ગૌરવવંતો ઈતિહાસ રહ્યો છે. જો કે હવે ગભરાયેલી 400 પારની વાત કરનારા તડિપારની પરિસ્થિતિમાં આવેલા ભાજપના નેતાઓ ગુજરાતની ઉત્તમ પરંપરાને તોડવા ઉતરી આવ્યા છે. ક્યારેય કોઈપણ રાજકીય પક્ષે બીજા રાજકીય પક્ષની ઑફિસમાં જઈને કે કોઈના ઘરમાં જઈને તોડફોડ ક્યારેય નહતી કરી. જે રીતે લોકોની નજરમાંથી ભાજપ ઉતરી ગયું છે અને સત્તાના પાયા હચમચી ગયા છે એટલે જે બોખલાહટ ઉભી થઈ છે, જે જુદા પ્રકારની છે.

ભાજપા કાર્યકર્તા દ્વારા કોંગ્રેસનાં કાર્યાલય પર કરેલ હુમલામાં પોલીસ અધિકારીઓ ની સંદિગ્ધ ભૂમિકા અને એકતરફી પોલીસ કાર્યવાહી સામે ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષ નેતા અમિત ચાવડાની આગેવાની માં અમદાવાદ શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરી નિષ્પક્ષ કાર્યવાહીની માંગણી કરવામાં આવી. કોંગ્રેસના ડેલિગેશનમાં ધારાસભ્ય ઇમરાન ખેડવાલા, અમૃત ઠાકોર, શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ અને પ્રવક્તા ડો અમિત નાયક હાજર રહ્યાં હતાં.


Related Posts

Load more