17મી જુલાઈના રોજ દેવપોઢી એકાદશીની સાથે ચાતુર્માસનો પ્રારંભ થઈ ગયો છે. આ સાથે જ ધાર્મિક તહેવારોની સિઝન પણ શરૂ થશે. જ્યારે 12 નવેમ્બરે કારતક સુદ અગિયારસ એટલે કે દેવઊઠી અગિયારસે ચાતુર્માસ પૂર્ણ થશે. આ ચાર મહિના દરમિયાન લગ્ન સહિત શુભ માંગલિક કાર્યો વર્જિત માનવામાં આવે છે. ચાતુર્માસમાં શ્રાવણ માસ, રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રિ, દિવાળી સહિતના તહેવારોની હેલી સર્જાશે.
અષાઢ મહિનાના શુક્લ પક્ષની અગિયારસથી કાર્તિક માસના શુક્લ પક્ષના અગિયારસ સુધીના સમયને ચાતુર્માસના નામથી ઓળખવામાં આવે છે. આ વર્ષે પંચાંગ અનુસાર ચાતુર્માસની શરૂઆત દેવપોઢી એકાદશી એટલે કે 17 જુલાઈથી થશે અને તેનું સમાપન દેવઊઠી એકાદશી પર થશે. ધાર્મિક દૃષ્ટિકોણથી ચાતુર્માસને ખૂબ જ પુણ્યકારી માનવામાં આવ્યો છે.
હિંદુ ધર્મમાં ચાતુર્માસનું મહત્ત્વ
ચાતુર્માસ એટલે ચાર મહિનાનો સમય. હિંદુ કેલેન્ડરમાં અષાઢ મહિનાના છેલ્લા દિવસોમાં ચાતુર્માસ શરૂ થઈ જાય છે. જે શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક મહિનાના છેલ્લા દિવસો સુધી રહે છે. આ દિવસોમાં હિંદુ ધર્મના બધા ખાસ તિથિ-તહેવાર ઊજવવામાં આવે છે. ચાતુર્માસ દરમિયાન અષાઢના છેલ્લા દિવસોમાં ભગવાન વામન અને ગુરુ પૂજા, શ્રાવણમાં શિવ આરાધના, ભાદરવામાં ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ, આસો મહિનામાં શારદીય નોરતા, કારતક મહિનામાં દિવાળી અને ભગવાન વિષ્ણુના જાગરણ સાથે જ તુલસી વિવાહ મહાપર્વ ઊજવવામાં આવે છે.
કેમ કહેવાય છે ચાતુર્માસ
દેવશયની એકાદશીને ‘પદ્મા એકાદશી’, ‘પ્રબોધિની એકાદશી’, ‘અષાઢી એકાદશી’ અને ‘હરિશયની એકાદશી’ પણ કહે છે. એવું કહેવાય છે કે આ એકાદશી બાદ ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં નિદ્રા અવસ્થામાં ચાલ્યા જાય છે અને કારતક મહિનાની દેવઊઠી એકાદશીએ જાગે છે. આથી આ સમયગાળાને ચાર્તુમાસ કહે છે. અષાઢ સુદ અગિયારસ એટલે દેવશયની એકાદશી. આ પવિત્ર દિવસને દેવશયન પર્વ પણ કહેવાય છે. આ પવિત્ર દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. શ્રદ્ધાળુઓ, ભક્તો આ ચાતુર્માસ દરમિયાન અનેક પ્રકારનાં નિયમો પાળે છે. સમગ્ર ચાતુર્માસ દરમિયાન વધુ ને વધુ પ્રભુનું નામસ્મરણ કરે છે. આ ચાતુર્માસનું માહાત્મ્ય અનેક ધર્મોમાં જોવા મળે છે. જૈન ધર્મના અનુયાયીઓ દેરાસર જઈને મંત્રજાપ, અનુષ્ઠાન કરે છે. ધર્મગુરુના આશ્રયમાં રહીને જ્ઞાન સંપાદન કરે છે. જૈન ધર્મના સાધુ-સંતો કોઈ એક જ સ્થાનમાં રહીને આરાધના કરે છે. અને વિચરણ સંપૂર્ણપણે ટાળે છે.
હિંદુ ધર્મમાં ચાતુર્માસનું ખૂબ જ માહાત્મ્ય છે
પૌરાણિક કથા અનુસાર આ દિવસે શંખાસુર અસુર મૃત્યુ પામ્યો હતો. આ પવિત્ર દિવસે એકાદશીનું માહાત્મ્ય સહુ પ્રથમ બ્રહ્માજીએ નારદજીને જણાવ્યું હતું. એ જ માહાત્મ્ય શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને સંભળાવીને તેઓનું કલ્યાણ કર્યું હતું. કહેવાય છે કે, સૂર્યવંશના માંધાતા રાજા ખૂબ સુખી હતા. તેમના રાજ્યમાં આકરો દુકાળ પડ્યો. રાજા તો ખૂબ ચિંતિત થયા. પ્રજા ત્રાહિમામ્ પોકારી રહી હતી. તેમણે અંગીરા ઋષિના માર્ગદર્શનથી આ દેવશયની એકાદશીનું વ્રત કર્યું. આ વ્રતના ફળસ્વરૂપે ફરીથી રાજ્ય હર્યુંભર્યું થઈ ગયું. શ્રીકૃષ્ણના માર્ગદર્શનથી પાંડવોએ પણ આ વ્રત કર્યું અને પીડામુક્ત તથા પાપમુક્ત થયા, સુખી થયા. દેવપોઢી એકાદશીને ‘પદ્મનાભ એકાદશી’ પણ કહેવાય છે.
દેવશયન પર્વનો પ્રારંભ
ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે, `મોક્ષની ઇચ્છા રાખનાર મનુષ્યએ, શ્રીહરિને પ્રસન્ન કરવા હેતુ દેવશયન વ્રત કરવું અને ચાતુર્માસના પાળવાના નિયમો તથા વ્રતના સંકલ્પો પણ કરવા.’ કર્ક સંક્રાંતિમાં અષાઢ સુદ અગિયારસના દિવસે શ્રીહરિને પોઢાડવામાં આવે છે. અર્થાત્ શ્રીહરિ વિષ્ણુ ચાતુર્માસ દરમિયાન ક્ષીરસાગરમાં જઈને બલિરાજા પાસે નિવાસ કરે છે
ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગનિદ્રા કરે છે
આ દિવસે શ્રીહરિને પંચામૃતથી સ્નાન કરાવી શ્વેત વસ્ત્રથી આચ્છાદિત શય્યા ઉપર સુવાડવામાં આવે છે. ધૂપ, દીપ, ચંદન, વસ્ત્ર, પ્રસાદ, પુષ્પ અર્પણ કરીને તે દિવસે ઉપવાસ કરવાનું માહાત્મ્ય છે. દૈત્યરાજ બલિએ ઇન્દ્રને પરાજિત કરીને સ્વર્ગ ઉપર પોતાનો અધિકાર કરી લીધો હતો. તેનાથી બધા દેવતા અને રાજા બલિની માતા અદિતિ દુઃખી થયાં અને પોતાના પુત્રના ઉદ્ધાર માટે ભગવાન વિષ્ણુની આરાધના કરીને વરદાન માગવા લાગ્યાં. ત્યારે વિષ્ણુજીએ વરદાન આપ્યું કે હું તમારા ગર્ભથી વામન અવતાર લઈને દેવરાજ ઇન્દ્રને ફરી સ્વર્ગની સત્તા અપાવીશ અને રાજા બલિને પાતાળનું રાજ્ય સોંપી દઈશ.રાજા બલિના અશ્વમેઘ યજ્ઞમાં વામન દેવતા હાજર થયા. તેમના આ અવતાર અંગે શુક્રાચાર્ય સમજી ગયા અને બલિને સાવધાન પણ કર્યો પરંતુ પ્રભુની લીલા અપરંપરા છે, વામન દેવતાએ દાનમાં ત્રણ પગ જમીન માગી.
ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં પોતાના વિરાટ સ્વરૂપથી તે સમયે એક પગ ભૂ-મંડળ, બીજો સ્વર્ગલોક અને ત્રીજા પગ રાખતા સમયે રાજા બલિને પૂછ્યુ કે આ દાનમાં એક પગ માટે સ્થાન જ નથી. તો હવે તેને ક્યાં રાખું?પ્રભુની લીલાને જોતાં રાજા બલિએ કહ્યું કે પ્રભુ હવે તો મારું મસ્તક છે. અહીં જ રાખી દો, જેથી તે રસાતળ પાતાળ જતો રહ્યો અને ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં તેને કહ્યું કે દાનીઓમાં તમને સદૈવ યાદ રાખવામાં આવશે અને તમે કળિયુગના અંત સુધી પાતાળના રાજા રહેશો. એટલે રાજા બલિએ પણ પ્રભુ પાસે વરદાન માગ્યું કે પ્રભુ તમે મારા આ સામ્રાજ્યની રક્ષા માટે મારી સાથે પાતાળ લોકની રક્ષા કરો. ભગવાન વામને તેમને વરદાન આપ્યું. એટલે ભગવાન વિષ્ણુ દેવપોઢી એકાદશીથી 4 મહિના સુધી પાતાળ લોક ક્ષીરસાગરમાં યોગનિદ્રામાં રહીને તેમના રાજ્યની રક્ષા કરે છે.