દિલ્હીના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંથી એક કનોટ પ્લેસ અને જંતર મંતર પાસે થયેલા હોબાળામાં મંગળવાર સાંજે સીજેપી પ્રોટેસ્ટના નામે પહોંચેલા પ્રદર્શનકારીઓએ ભારે બબાલ કરી. આ દરમિયાન ભીડે RAFના એક જવાનને ઘેરી લીધો અને તેની સાથે નિર્દયતાથી મારપીટ કરી. મામલો એટલો વધી ગયો કે જવાનનો જીવ જોખમમાં મૂકાયો હતો. રાહતના સમાચાર એ હતા કે ત્યાં હાજર બીજા RAF જવાનોએ પોતાની સૂજબૂજથી સાથીને ભીડની ચુંગલમાંથી બહાર કાઢ્યો હતો. હવે આ સમગ્ર મામલે દિલ્હી પોલીસે કડક વલણ અપનાવતા એફઆઈઆર નોંધી છે.
ગાડીઓ પર પથ્થરમારો અને બેરિકેટ્સમાં તોડફોડ
સોશિયલ મીડિયામાં સામે આવેલા ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે પ્રદર્શનકારીઓ પોલીસ બેરિકેડ્સની પાછળથી તેમની નજીક જઈને પથ્થરમારો કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓએ બેરિકેડ્સ તોડ્યા એટલું જ નહીં પરંતુ ત્યાં ઉભેલી RAFની ગાડીઓમાં પણ ખુબ તોડફોડ કરી. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ દિલ્હી પોલીસે સામાન્ય જનતા અને પ્રદર્શનકારીઓને શાંતિ જાળવવાની અને કાનૂન વ્યવસ્થા જાળવી રાખવામાં સહયોગ કરવાની અપીલ કરી. પોલીસનું કહેવું છે કે વારંવાર ચેતવણી આપવા છતાં પ્રદર્શનકારીઓએ કલમ 144 અને પ્રતિબંધિત આદેશોનો ભંગ કર્યો છે.
કુલ 10 FIR નોંધાઈ
દિલ્હી પોલીસે આ હિંસા મામલે અત્યાર સુધીમાં કુલ 10 FIR નોંધી છે. આ FIR પાર્લિયામેન્ટ સ્ટ્રીટ અને કનોટ પ્લેસ પોલીસ મથકોમાં નોંધાઈ છે. તેમાં BNS 2023, આર્મ્સ એક્ટ અને જાહેર સંપત્તિ નુકસાન નિવારણ અધિનિયમની ગંભીર કલમો લાગી છે. પોલીસ એ મામલે પણ તપાસ કરી રહી છે કે શું આ હિંસા કોઈ પૂર્વનિયોજિત ષડયંત્રનો ભાગ હતી? આ ઉપરાંત નવી દિલ્હી વિસ્તારમાં મંજૂરી વગર ડ્રોન ઉડાવવા મામલે પણ એક અલગ FIR નોંધાઈ છે.
ક્યાં કેટલી નોંધાઈ ફરિયાદ?
પોલીસના જણાવ્યા મુજબ પ્રદર્શન દરમિયાન થયેલી વિવિધ ઘટનાઓ અને કાનૂન વ્યવસ્થા સંબંધિત મામલાઓમાં આ એફઆઈઆર દાખલ થઈ છે. જેની તપાસ ચાલુ છે.
250થી વધુ ફૂટેજની તપાસ
સરકારી કામમાં બાધા નાખનારા, પોલીસ કર્મીઓ પર હુમલો કરનારા, સંપત્તિને નુકસાન પહોંચાડનારા પ્રદર્શનકારીઓની ઓળખ માટે પોલીસ ખુબ જદ્દોજહેમત કરી રહી છે. દિલ્હી પોલીસની ટીમો ઘટના સંલગ્ન 250થી વધુ વીડિયો ફંફોળી રહી છે. પોલીસ અધિકારીઓનું સ્પષ્ટ કહેવું છે કે વીડિયો ફૂટેજના આધારે ઉપદ્રવમાં સામેલ પ્રદર્શનકારીઓની ઓળખ થઈ રહી છે અને કાયદો હાથમાં લેનારા કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે.