IFFCOની ચૂંટણીએ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ઈફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની શાનદાર જીત બાદ હવે સહકારી ક્ષેત્રથી વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. દિલીપ સંઘાણી ફરી ઈફ્કોના ચેરમેન બન્યા છે. દિલીપ સંઘાણીની બિનહરીફ વરણી થઈ છે. તો બલવીર સિંહ ઈફ્કોના વાઈસ ચેરમેન બન્યા છે. આ સાથે જ ઈફ્કો પર ગુજરાતના નેતાઓનો દબદબો યથાવત જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે, IFFCO વિશ્વની ટોચની 300 સહકારી સંસ્થાઓમાં નંબર 1 સહકારી છે, જે ગયા વર્ષથી તેનું સ્થાન ધરાવે છે.
દિલીપ સંઘાણી બિનહરીફ
આજે દિલ્હી ખાતે ઈફ્કો ચેરમેનની ચુંટણી માટે બોર્ડ મીટિંગ વહેલી સવારથી જ શરૂ થઈ ગઈ હતી. ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી બોર્ડમાં નક્કી થઈ હતી. જેમાં જયેશ રાદડીયાએ પણ મતદાન કર્યું હતું. દિલીપ સંઘાણી લગભગ બિનહરીફ થશે એ ફાઈનલ જ હતુ. દિલીપ સંઘાણીએ ઇફકોના ચેરમેન માટે નોમિનેશન રજુ કર્યું હતું. અંતે તેઓ બિનહરીફ થયા હતા.
જયેશ રાદડિયાની શાનદાર જીત
IFFCOની ચૂંટણીમાં બિપિન પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે જંગ હતો. દિલ્હીમાં ઇફ્કોની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું હતું. જેમાં જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ છે. સહકારી આગેવાન જયેશ રાદડિયા 100 થી વધુ સૌરાષ્ટ્રના મતદારોને લઈને દિલ્હીમાં પહોંચ્યા હતા. ઈફ્કોની ચૂંટણીમાં જયેશ રાદડીયાને 100 થી વધુ મત મળે તેવી શક્યતા હતી, પરંતુ જયેશ રાદડિયાને 114 જેટલા મત મળ્યા છે. ઇફ્કો ચૂંટણીને લઈને ભાજપમાંથી બિપીન ગોતાને મેન્ડેટ આપવામાં આવ્યું હતું. પરંતું જયેશ રાદડીયાએ ભાજપના મેન્ડેટ વિરૂદ્ધ જઈને ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી.
6 કરોડ ખેડૂતોની સંસ્થા ઈફકો
એક તરફ રાદડિયા માંડવિયા માટે પ્રચાર કરતા રહ્યા તો બીજી તરફ તેઓ ઇફ્કોની ચૂંટણીમાં પાર્ટીની વિરુદ્ધમાં ઊભા રહ્યા. ગુજરાતના સહકારી ક્ષેત્રમાં ભાજપનું વર્ચસ્વ છે. આ વિભાગના કેન્દ્રમાં મંત્રી અમિત શાહ છે, તેથી આ ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. રાદડિયા અગાઉ ડિરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. આમ ભાજપના નેતાઓ વચ્ચે જ ભારે રસાકસી જામે તેવી પૂરી સંભાવના છે. ઈફકો ભારતીય સહકારી સંઘની માલિકીપણા હેઠળ છે. વર્ષ 1967માં ફક્ત 57 સહકારી સમિતિઓની સાથે આ સમિતિમાં આજે 36,000 કરતા પણ વધારે ભારતીય સહકારી સમિતિઓ સામેલ છે. ખાતર બનાવીને વેચવાના મુખ્ય વ્યવસાયની ઉપરાંત આ સમિતિઓનો વ્યવસાય સામાન્ય વીમાથી માંડીને ગ્રામીણ દૂરસંચાર જેવા વિવિધ સેક્ટર્સ સુધી ફેલાયેલો છે. ઈફકો ભારતના 6 કરોડ ખેડૂતોને સેવા પ્રદાન કરે છે. ભારતના ખૂણેખાંચરે રહેતા ખેડૂતો સુધી ખાતર પહોંચાડવાનો આકરો પડકાર ઈફકોના માર્કેટિંગ વિભાગની સામે રહેલ છે. ઈફકોએ દુનિયાભરમાં પોતાના પ્રભાવનો વિસ્તાર કર્યો છે.