ગુજરાત યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં સભ્ય તરીકે ભાજપના નેતા મનન દાણીની નિમણૂક કરવામાં આવી હતી. જેને લઇને કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોષીએ શિક્ષણ મંત્રીને મનન દાણીની નિયમ મુજબ નિમણૂક ના થઈ હોવાની ફરિયાદ કરી હતી. કોંગ્રેસ પ્રવક્તાની ફરિયાદ બાદ શિક્ષણ વિભાગે મનન દાણીની નિમણૂક અંગે વધુ ખુલાસા માંગ્યા છે. જણાવી દઈએ કે, ગુજરાત યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં કયા આધાર પર મનન દાણીની નિમણૂંક કરાઈ એની ઊંડાણપૂર્વક તપાસ થશે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા 4 ઓક્ટોબર 2024માં એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં GCCI(ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી)ના નોમીની મેમ્બર તરીકે મનન દાણીની નિમણૂક કરવામાં આવી હતી. જો કે બીજી બાજુ GCCI દ્વારા ગુજરાત યુનિવર્સિટીને પત્ર લખીને જણાવવામાં આવ્યું હતું કે, ચેમ્બર ઑફ કોમર્સે યુનિવર્સિટીને GCCIના નોમીની તરીકે કોઈ નામ મોકલ્યું જ નથી. આમ ગુજરાત યુનિ. દ્વારા GCCIના નોમીની મેમ્બર બારોબાર એટલે કે GCCIની જાણ બહાર જ નિમાઈ ગયા હોવાની ફરિયાદ ઊભી થઈ હતી.
કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોષીએ શિક્ષણમંત્રીને ઓક્ટોબર 2024માં ફરિયાદ કરી હતી કે, ગુજરાત પબ્લિક યુનિવર્સિટી 2023 મુજબ એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના માટે વિવિધ જોગવાઈ કરવામાં આવી છે. જે અન્વયે વિવિધ સભ્યોની નિયુક્તિ કરવાનું ઠરાવ છે. યુનિવર્સિટીના સત્તાધીશોએ દ્વારા સગવડીયું અર્થઘટન કરીને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ તરીકે ભાજપના નેતા મનન દાણીની નિમણૂક કરી છે.
સરકારના કોમન યુનિ. ઍક્ટ અંતર્ગત 6 નવેમ્બર 2023ના રોજ ગુજરાત યુનિ.ની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના થઈ હતી. આ કાઉન્સિલમાં 22માંથી 11 મેમ્બર જ નિમાયા હતા અને 50 ટકા જગ્યા ખાલી હતી ત્યારે ઓક્ટોબર 2024માં યુનિવર્સિટીના કુલપતિએ પોતાને મળેલી સત્તાની રૂએ બે મેમ્બરની નિમણૂક કરી છે. જેમાં GCCIના મેમ્બરની કેટેગરીમાં કુલપતિ દ્વારા કાઉન્સિલમાં મનન દાણીની નિમણૂક કરવામાં આવી હતી.