દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ભારે ઉત્સાહ

By: Nation Gujarat Team
30 Jun, 2026

રાજ્યમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે. સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના સત્તાવાર આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના તમામ ઝોનમાં મેઘરાજાએ પોતાની હાજરી પુરાવી છે. લાંબા સમયના આકરા તાપ અને અસહ્ય ઉકળાટ બાદ મોસમનો પ્રથમ સાર્વત્રિક વરસાદ પડતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવની શરૂઆત

હંમેશ મુજબ આ વર્ષે પણ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સુરત શહેરમાં ધોધમાર 2.5 ઈંચ વરસાદ ખાબકતા સ્માર્ટ સિટીના અનેક નીચાણવાળા વિસ્તારો અને અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે સવારના સમયે નોકરીયાત વર્ગને થોડી મુશ્કેલી પડી હતી. સુરત ગ્રામ્યના કામરેજ અને માંગરોળ હાઇવે પર ભારે વરસાદના કારણે વાહનોની ગતિ ધીમી પડી હતી. બીજી તરફ તાપીના વાલોડમાં 2 ઈંચ અને વલસાડના ઉમરગામમાં 1 ઈંચ વરસાદ થતાં નદી-નાળાઓમાં નવા પાણીની આવક થઈ છે.

સૌરાષ્ટ્રના કિંગ ગીર પંથક અને અમરેલીમાં ખુશીનો માહોલ

બીજી તરફ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જાફરાબાદ તાલુકામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારો જેવા કે બાબરકોટ, મીતીયાળા, કડિયાળી અને દુધાળામાં સારો વરસાદ પડતાં સ્થાનિક નદીઓમાં પૂર જેવા દ્રશ્યો સર્જાયા હતા અને રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા. ખાંભા અને ગીર પંથકમાં પણ વાવણી લાયક મોસમ સર્જાતા ખેડૂતો પોતાના બળદ અને ટ્રેક્ટર લઈને સીમ ભણી રવાના થઈ ગયા છે. ઉના શહેરમાં આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને પવનના સુસવાટા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાકમાં રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની સંભાવના છે.


Related Posts

Load more