ઠાકોર સમાજ મહા સ્નેહમિલન: ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક મંચ પર, કુરિવાજો દૂર કરવા અપીલ

By: nationgujarat
26 Oct, 2025
બનાસકાંઠા : બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાઓના ઠાકોર સમાજના મહા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ સંમેલનમાં ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક મંચ પર જોવા મળ્યા. સમાજમાં સુધારા અને સામાજિક બંધારણ અંગે ચર્ચા કરી, કુરિવાજો દૂર કરવા ઠાકોર સમાજના નેતાઓએ “શિક્ષિત બનો, સંગઠિત બનો” નો નારો આપ્યો.
રાજકીય નેતાઓની હાજરી

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સમસ્ત ઠાકોર સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમ દિયોદરમાં યોજાયો હતો, જેમાં ઠાકોર બોર્ડિંગ ખાતે મોટા પ્રમાણમાં ઠાકોર સમાજના આગેવાનો જોડાયા. ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાંસદ ગેનીબેન ઠાકોર, મંત્રી સ્વરૂપજી ઠાકોર, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, કેશાજી ચૌહાણ, અમૃતજી ઠાકોર સહિત રાજ્ય અને જિલ્લાના રાજકીય નેતા હાજર રહ્યા. મોટા પ્રમાણમાં સામાજિક આગેવાનોની હાજરીમાં સમાજમાં ચાલતા કુરિવાજો દૂર કરવા અપીલ કરવામાં આવી.
સમાજ એકતા માટે અપીલ

રાજકીય નેતાઓએ એક મંચ પર આવી સમાજ માટે એકતાના દર્શન કરાવ્યા. ધારાસભ્ય કેશાજી ચૌહાણે સમાજમાં ચાલી રહેલી બદીઓ દુશ્મનો ગણાવી અને યુવાનોને શિક્ષણ અને રાજકીય રીતે મજબૂત બનવા અપીલ કરી. આહવાન કર્યું કે સૌ લોકોએ એક મંચ પર આવી સમાજના પ્રશ્નો માટે ચિંતન કરવું જોઈએ.
કાયદાઓ સામે સખત વલણ

સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે એકતા માટે વધુ કામ કરવું અને કુરિવાજો દૂર કરવા અંકુશ લાવવો જરૂરી છે. તેમણે કહ્યું કે કુરિવાજો દૂર કરવાથી ડોક્ટર, પોલીસ અને વકીલના ધંધા પર અસર પડશે. બહેન-દીકરીઓની સુરક્ષા માટે મૈત્રી કરાર કાયદો ખતરનાક છે અને આ કાયદા સામે સખત વલણ અપનાવવું પડશે.
શિક્ષણ અને સંગઠન

ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પણ યુવાનોને વ્યસનમુક્ત બની સંગઠિત બનવા અપીલ કરી. તેમણે વ્યસનમુક્તિનું આંદોલન ઉપાડ્યાનું ઉલ્લેખ કર્યું અને 26 જાન્યુઆરીએ જીએમડીસી ગ્રાઉન્ડમાં રાત્રે 3:00 વાગે સભા રાખવા આયોજન કર્યું છે. આ ઉપરાંત, આહવાન કરાયું છે કે સમાજમાંથી કુરિવાજો દૂર કરી, એકતા અને શિક્ષણની જાગૃતિ લાવવી.

Related Posts

Load more